July 2, 2024

પાઠ્યપુસ્તક મંડળે આ વર્ષે રૂ. 6 કરોડના પુસ્તકો વિદ્યાર્થીઓને આપ્યા

મલ્હાર વોરા, ગાંધીનગર: રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રનો આરંભ થયો છે, ત્યારે રાજ્યના પાઠ્યપુસ્તક મંડળ દ્વારા વિદ્યાર્થીઓ સુધી પુસ્તકો પહોંચતા કરી દીધા છે. ગાંધીનગર ખાતે આવેલા પાઠ્યપુસ્તક મંડળના ડેપોમાંથી રાજ્યના તમામ જિલ્લાના તાલુકા કેન્દ્ર ખાતે પુસ્તકો DEO અને DPO સુધી પહોંચાડી દેવામાં આવ્યા છે, પરંતુ હજુ કેટલાંક વિદ્યાર્થીઓ સુધી પુસ્તકો પહોંચ્યા નથી, તેવા વિદ્યાર્થીઓને આગામી બે દિવસમાં પુસ્તકો મળી જશે તેવો દાવો પાઠ્યપુસ્તક મંડળના સત્તાધીશો દ્વારા કરવામાં આવ્યો છે.

ગુજરાત રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રની શરૂઆત થઇ ગઇ છે. દર વર્ષની જેમ આ વખતે શાળા ખુલી ગયા બાદ પણ વિદ્યાર્થીઓ સાથે પુસ્તકો હોતા નથી, પરતું દર વખતની જેમ આ વખત પણ આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન ન થાય તે માટે રાજ્યના પાઠ્યપુસ્તક મંડળ દ્વાર વેકેશનના ગાળામાં રાજ્યના તમામ જિલ્લા અને તાલુકા ખાતે પુસ્તકો પહોંચતા કર્યા હતા. પાઠ્યપુસ્તક મંડળના અધિકારીના જણાવ્યા પ્રમાણે રાજ્યના તમામ જિલ્લા અને તાલુકા કેન્દ્ર ખાતે પુસ્તકો પહોંચતા કરી દેવામાં આવ્યા છે. હાલ આ તમામ પુસ્તકો જિલ્લા કક્ષાએ રહેલા શિક્ષણ વિભાગના અધિકારી DEO અને DPO સુધી પહોંચતા કરવામાં આવ્યા છે. DEO સહિત DPOના માધ્યમથી આ તમામ પુસ્તકો વિદ્યાર્થીઓ સુધી નિશુલ્ક પહોંચ્યા છે.

પાઠ્યપુસ્તક મંડળના અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે આ વખતે ધોરણ 1થી 12ના પુસ્તકો 550 એડિશનમાં છાપવામાં આવ્યા છે. આમ પાઠ્યપુસ્તક મંડળ દ્વારા કુલ 6 કરોડ જેટલા પુસ્તકો વિદ્યાર્થીઓ માટે આપ્યા છે. જે વિદ્યાર્થીઓને હજુ પુસ્તકો નથી મળ્યા તેવા વિદ્યાર્થીઓને આગામી બે દિવસના ગાળામાં પુસ્તકો મળી જશે. આ વખતે પાઠ્યપુસ્તક મંડળ NTRC પાસેથી છપાયેલા પુસ્તકો લેવા કરતા તેમની પાસેથી પુસ્તકોની શોર્ટ કોપી લઈને ગુજરાતમાં છાપકામ કરી દેવામાં આવ્યું હતું. જેથી સમયસર વિદ્યાર્થીઓ સુધી પુસ્તકો પહોંચી ગયા છે. ખાસ કરીને ધોરણ 10 પાસ કરીને 11માં પ્રવેશ હાંસલ કરેલ વિદ્યાર્થીઓના પુસ્તકોનું વેચાણ કરવું અઘરું હોય છે., કારણ કે ક્યાં વિદ્યાર્થીઓ ક્યાં પ્રવાહમાં જવાનું નક્કી કર્યું છે તે ખ્યાલ આવતો નથી, પરતું જે શાળા પાસે વધુ પુસ્તક હોય છે તેવો ગત વર્ષે ઓછા પુસ્તકો આપવામાં આવે છે. હાલ રાજ્યમાં ક્યાં પણ પુસ્તકોને લઈને વિદ્યાર્થીઓ કે વાલીની બૂમ જોવા મળી નથી.