December 23, 2024

કાશ્મીરમાં આતંકી મોડ્યુલનો પર્દાફાશ, આતંકવાદીઓના 4 મદદગારો ઝડપાયા

જમ્મુ-કાશ્મીર: જમ્મુ-કાશ્મીરના શ્રીનગરમાં પોલીસ અને સુરક્ષા દળોની ટીમને મોટી સફળતા મળી છે. ટીમે આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના આતંકી મોડ્યુલનો પર્દાફાશ કરતા 4 લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરાયેલા લોકો પર જૈશના આતંકવાદીઓને મદદ કરવાનો આરોપ છે. પોલીસને કેનિહામા વિસ્તારમાં આતંકવાદીઓના મદદગારો વિશે માહિતી મળી હતી. ત્યારબાદ પોલીસ સેનાની 50 રાષ્ટ્રીય રાઈફલ્સ અને સીઆરપીએફએ ઓપરેશન હાથ ધર્યું હતું અને ચેકિંગ દરમિયાન જૈશ સાથે સંકળાયેલા ચાર લોકો મોહમ્મદ યાસીન ભટ, શેરાઝ અહેમદ રાથેર, ગુલામ હસન ખાંડે અને ઈમ્તિયાઝને ઝડપી લીધા હતા.

કાશ્મીરમાં આતંકવાદીઓના સુત્રધારો પર કાર્યવાહી
ધરપકડ કરાયેલા આરોપીઓ પાસેથી ત્રણ મેગેઝીન સાથેની એક એકે 56 રાઈફલ, બે મેગેઝીન સાથેની એક પિસ્તોલ, 6 ગ્રેનેડ સહિત અનેક હથિયારો અને દારૂગોળો મળી આવ્યો છે. કાશ્મીર ખીણમાં લોકસભા ચૂંટણી પહેલા આતંકવાદીઓના મદદગારોની ધરપકડ પોલીસ અને સુરક્ષા દળો માટે મોટી સફળતા માનવામાં આવી રહી છે.

નોંધનીય છે કે પોલીસ ધરપકડ કરાયેલા ચાર લોકોની પૂછપરછ કરી રહી છે અને એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે તેઓ ચૂંટણી દરમિયાન કોઈ મોટું કાવતરું ઘડવાનો ઈરાદો ધરાવતા હતા કે કેમ? આતંકીઓના મદદગારોની ઓળખ કરી લેવામાં આવી છે. યાસીન ભટ, શેરાઝ અહેમદ રાથેર અને ગુલામ હસન ખાંડે લખનબલ જાફરાન કોલોની પંથા ચોકના રહેવાસી છે અને ઈમ્તિયાઝ અહેમદ ભટ ફ્રેસ્તાબલ પમ્પોરનો રહેવાસી છે.

શું જપ્ત કરવામાં આવ્યું?
01 એકે 56 રાઈફલ, 3 મેગેઝીન, 7.62 x 39 એમએમના 75 રાઉન્ડ, 2 મેગેઝીન સાથે 01 ગ્લોક પિસ્તોલ, 9 એમએમના 26 રાઉન્ડ અને 06 ચાઈનીઝ ગ્રેનેડ સહિતની ગુનાહિત સામગ્રી, હથિયારો અને દારૂગોળો તેમના પોઝીશનમાંથી મળી આવ્યા હતા. પ્રારંભિક તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ધરપકડ કરાયેલા લોકો પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સાથે સંકળાયેલા છે.

કઈ કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો?
આ સંદર્ભે, પોલીસ સ્ટેશન નૌગામમાં આઈપીસીની કલમ 18, 23, 39 UAPA, 7/25 આર્મ્સ એક્ટ અને 120B હેઠળ FIR નંબર 31/2024 નોંધવામાં આવી છે અને વધુ તપાસ ચાલી રહી છે.