December 14, 2024

સંભલમાં 46 વર્ષ પછી ખુલ્યું મંદિર, પોલીસકર્મીઓએ કરી શિવલિંગની સફાઈ

Lord Shiva Temple in Sambhal: ઉત્તર પ્રદેશના સંભલમાં પ્રશાસને મોટી કાર્યવાહી કરતા 46 વર્ષ બાદ મંદિરના દરવાજા ખોલ્યા છે. આ મંદિર એ જ વિસ્તારમાં છે જ્યાં હિંસા થઈ હતી અને લાંબા સમયથી બંધ હતું. હવે જ્યારે પ્રશાસને મંદિરના દરવાજા ખોલ્યા તો અંદર ધૂળ જામી હતી. પોલીસકર્મીઓએ જાતે જ પોતાના હાથે શિવલિંગ અને અન્ય દેવી-દેવતાઓની મૂર્તિઓની સફાઈ કરી. મંદિરના ઉદઘાટનનો વીડિયો પણ સામે આવ્યો છે. આ વીડિયોમાં એક પોલીસકર્મી મંદિરની ઘંટડી વગાડતો જોઈ શકાય છે. નગર હિન્દુ સભાના આશ્રયદાતા વિષ્ણુ શરણ રસ્તોગી દાવો કરે છે કે મંદિર 1978 પછી ફરી ખોલવામાં આવ્યું છે.

નગર હિન્દુ સભાના આશ્રયદાતા વિષ્ણુ શરણ રસ્તોગીએ કહ્યું, “અમે ખગ્ગુ સરાઇ વિસ્તારમાં રહેતા હતા. અમારું ઘર નજીકમાં છે (ખગ્ગુ સરાઈ વિસ્તારમાં). 1978 પછી અમે ઘર વેચી દીધું અને જગ્યા ખાલી કરી. આ ભગવાન શિવનું મંદિર છે. અમે આ વિસ્તાર છોડી દીધો અને અમે આ મંદિરની સંભાળ રાખી શક્યા નહીં. આ જગ્યાએ કોઈ પૂજારી નથી. 15-20 પરિવારોએ આ વિસ્તાર છોડી દીધો હતો. અમે મંદિર બંધ કરી દીધું હતું કારણ કે પૂજારીઓ અહીં રહી શકતા ન હતા. પૂજારીની અહીં રહેવાની હિંમત નહોતી. મંદિર 1978 થી બંધ હતું અને આજે ખોલવામાં આવ્યું છે.”

મંદિરમાંથી અતિક્રમણ દૂર કરવામાં આવશે
સંભલના એસડીએમ વંદના મિશ્રાએ કહ્યું, “જ્યારે અમે વીજળી ચોરી સામે અભિયાન ચલાવી રહ્યા હતા ત્યારે અમને એક મંદિર મળ્યું. વિસ્તારના લોકોએ જણાવ્યું કે મંદિર 1978થી બંધ છે. મંદિરને ખુલ્લું મુકવામાં આવ્યું છે અને સાફ સફાઈ કરવામાં આવી છે. મંદિર પરનું અતિક્રમણ દૂર કરવામાં આવશે.” દરમિયાન, એડિશનલ એસપી શ્રીશ ચંદ્રાએ જણાવ્યું હતું કે, “અમને મંદિરની સામે એક પ્રાચીન કૂવો હોવાની માહિતી મળી હતી. ખોદકામ કર્યા પછી, આ વિસ્તારમાં એક કૂવો મળ્યો હતો.”