September 14, 2024

PM મોદી અને રશિયન રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે ટેલિફોનિક વાત, યુક્રેન પ્રવાસને લઈને કરી ચર્ચા

PM Modi: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે ફોન પર વાત કરી હતી. રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધને લઈને બંને નેતાઓ વચ્ચે ચર્ચા થઈ હતી. આ દરમિયાન પીએમ મોદીએ પુતિનને કહ્યું કે ભારત શાંતિપૂર્ણ ઉકેલ માટે પ્રતિબદ્ધ છે.

આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવાને લઈને વાતચીત થઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતાં લખ્યું હતું કે તેમણે આજે રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત કરી હતી. વિશેષ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવાના પગલાંની ચર્ચા કરવામાં આવી હતી. રશિયા-યુક્રેન યુદ્ધ અને મારી તાજેતરની યુક્રેનની મુલાકાત અંગે પણ ચર્ચા થઈ હતી. રશિયાએ યુક્રેન યુદ્ધના કાયમી અને શાંતિપૂર્ણ ઉકેલ માટે ભારતની મક્કમ પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો.

જણાવી દઈએ કે, આ પહેલા સોમવારે વડાપ્રધાન મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ બાઈડેન વચ્ચે પર પણ ટેલિફોનિક ચર્ચા થઈ હતી. આ વાતચીત બાદ વિદેશ મંત્રાલય દ્વારા ઝેર કરવામાં આવેલા સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પીએમ મોદી અને બાઈડેને બાંગ્લાદેશની વર્તમાન સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી. પરંતુ, વ્હાઇટ હાઉસ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં આ મુદ્દે કંઈ કહેવામાં આવ્યું નથી. વ્હાઇટ હાઉસ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં માત્ર રશિયા-યુક્રેન યુદ્ધનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.