November 25, 2024

અદાણી ગૂપે આપેલ રૂ.100 કરોડનું ફંડ કોંગ્રેસની તેલંગાણા સરકારે પરત કર્યું

Adani Group: તેલંગાણાની કોંગ્રેસ સરકારે અમેરિકામાં અદાણી ગ્રૂપ સામે લાંચના આરોપો બાદ કંપનીને 100 કરોડ રૂપિયાનું ફંડ પરત કર્યું છે. આ ફંડ યુવાનોમાં કૌશલ્ય ક્ષમતા વિકસાવવાના હેતુથી લેવામાં આવ્યું હતું, જે માટે કોંગ્રેસ સરકારે હવે ના પાડી દીધી છે. તેલંગાણાના મુખ્યમંત્રી રેવન્ત રેડ્ડીએ કહ્યું છે કે રાજ્ય સરકારે યંગ ઈન્ડિયા સ્કિલ યુનિવર્સિટી માટે અદાણી ગ્રૂપ સહિત કોઈપણ સંસ્થા પાસેથી કોઈ પૈસા લીધા નથી.

રેડ્ડીએ કહ્યું, “તેલંગાણા સરકારે યંગ ઈન્ડિયા સ્કિલ યુનિવર્સિટી માટે અદાણી ગ્રૂપ પાસેથી કોઈ ફંડ કે ડોનેશન લીધું નથી. ગઈકાલે સરકારે અદાણી જૂથને પત્ર લખ્યો હતો કે તેઓ સ્કિલ યુનિવર્સિટી માટે તેમના દ્વારા આપવામાં આવેલા 100 કરોડ રૂપિયા નહીં સ્વીકારે.

મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે, “રાહુલ ગાંધીએ સ્પષ્ટપણે કહ્યું છે કે રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારે ટેન્ડરો આમંત્રિત કરવા જોઈએ. લોકશાહી રીતે “ટેન્ડરો યોગ્ય પ્રક્રિયા સાથે ફાળવવામાં આવશે, પછી તે અદાણી, અંબાણી કે ટાટા હોય.” મુખ્યમંત્રીએ કહ્યું કે યંગ ઈન્ડિયા સ્કિલ યુનિવર્સિટીને ઘણી કંપનીઓએ પૈસા આપ્યા છે. તેમણે કહ્યું, “યંગ ઈન્ડિયા સ્કિલ યુનિવર્સિટીને ઘણી કંપનીઓ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે. તેવી જ રીતે અદાણી ગ્રુપે પણ અમને 100 કરોડ રૂપિયાની ઓફર કરી છે. હું રાજ્ય સરકારના નિર્ણયને પુનરાવર્તિત કરવા માંગુ છું કે તે અદાણી જૂથ પાસેથી 100 કરોડ રૂપિયા લેશે નહીં.