રેવંત રેડ્ડીની PM મોદીને અપીલ – પાકિસ્તાનનાં ટુકડા કરી નાંખો, PoK ભારતમાં…

Pahalgam Terror Attack Reaction Revanth Reddy: પહલગામ આતંકવાદી હુમલાના વિરોધમાં મુખ્યમંત્રી રેવંત રેડ્ડીના સમર્થનમાં શુક્રવારે હૈદરાબાદમાં એક કેન્ડલ માર્ચ કાઢવામાં આવી હતી. આ વિરોધ પ્રદર્શનમાં AIMIM સાંસદ અસદુદ્દીન ઓવૈસી, કોંગ્રેસ નેતા સલમાન ખુર્શીદ સહિત ઘણા અન્ય નેતાઓએ ભાગ લીધો છે. આતંકવાદી હુમલા પછીની પરિસ્થિતિનો સામનો કરવા માટે કેન્દ્રને ટેકો આપતા મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પાકિસ્તાન અને આતંકવાદીઓને યોગ્ય જવાબ આપવા વિનંતી કરી છે. તેમણે કહ્યુ કે, ‘કડક કાર્યવાહી થવી જોઈએ, ભલે તેનો અર્થ પીઓકેને ભારતમાં ભેળવવાનો હોય.’
આતંકવાદી હુમલાના વિરોધમાં કેન્ડલ માર્ચનું નેતૃત્વ કરી રહેલા રેવંત રેડ્ડીએ કહ્યુ કે, ‘પહલગામ જેવી ઘટનાઓને રોકવા માટે કેન્દ્ર સરકાર દ્વારા નિર્ણાયક પગલાં લેવાની જરૂર છે.’ તેમણે યાદ અપાવ્યું કે,ભૂતપૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીએ 1971માં બાંગ્લાદેશની રચના અંગે તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની સરખામણી દેવી દુર્ગા સાથે કરી હતી.
સીએમ રેડ્ડીએ કહ્યુ કે, ‘તમે (પીએમ મોદી) દુર્ગા માતાને યાદ કરો, કાર્યવાહી કરો, પછી ભલે તે પાકિસ્તાન પર હુમલો હોય કે અન્ય કોઈ પગલાં. આજે પાકિસ્તાન વિરુદ્ધ પગલાં લેવા જોઈએ. આ સમાધાન કરવાનો સમય નથી, યોગ્ય જવાબ આપવો જોઈએ. આગળ વધો, અમે તમારી સાથે ઉભા રહીશું. 140 કરોડ ભારતીયો તમારી સાથે છે. પાકિસ્તાનને બે ભાગમાં વહેંચો અને પીઓકેને ભારતમાં ભેળવી દો. અમે તમારી સાથે ઉભા રહીશું. તમે દુર્ગા માતાના ભક્ત છો. ઇન્દિરાજીને યાદ રાખો.’ ઇન્દિરા ગાંધીની પ્રતિમા સામે બોલતા રેડ્ડીએ એમ પણ કહ્યું કે, તેલંગાણા સરકારે પહલગામ આતંકવાદી હુમલાના પીડિતો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.