ટાટ-ટેટના આંદોલન બાદ સરકારે કામગીરીની વિગતો જાહેર કરી, એપ્રિલના અંતમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે

ગાંધીનગર: ન્યુઝ કેપિટલના અહેવાલની ફરી એકવખત જોરદાર ઈમ્પેક્ટ પડી છે. ન્યુઝ કેપિટલએ એક જવાબદાર માધ્યમ તરીકે શિક્ષકોની ભરતી પ્રક્રિયામાં થઈ રહેલ વિલંબને લઈ મુહિમ ચલાવી હતી. ત્યારે આ મુહિમ બાદ ટાટ-ટેટ ભરતી મામલે ઉમેદવારોએ પણ ગાંધીનગર ખાતે આંદોલન કર્યું હતું. ટાટ અને ટેટના આંદોલન બાદ સરકારે શિક્ષણ વિભાગમાં ભરતી મામલે કામગીરીની વિગતો જાહેર કરી છે. સરકારે વિગતો જાહેર કરતા જણાવ્યું છે કે એપ્રિલ માસના અંત સુધીમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ થશે.
અલગ અલગ તબક્કામાં શિક્ષકોની ભરતી પ્રક્રિયા થઈ છે અને હાલ ચાલી રહેલી ભરતી પ્રક્રિયાની કામગીરી જાહેર કરી છે. જેમાં સરકારી માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક માટે 15 માર્ચ સુઘી ડોક્યુમેન્ટ વેરિફિકેશન લિસ્ટ બહાર પડશે. બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓ માટે 30 માર્ચ સુધીમાં વેરિફિકેશન લિસ્ટ બહાર પડશે. જેની ભરતી પ્રક્રિયા એપ્રિલ માસના અંત સુધીમાં પૂર્ણ થશે. 25 માર્ચ સુધીમાં ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું લિસ્ટ બહાર પડશે. ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે શિક્ષણ સહાયકની ભરતી પ્રક્રિયા પણ એપ્રિલ માસના અંત સુધીમાં પૂર્ણ થશે.
શિક્ષણ સહાયક-સરકારી અને ગ્રાન્ટેડ ઉચ્ચતર માધ્યમિક ભરતી
રાજ્યની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 1608 અને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 2484 એમ કુલ-4092 શિક્ષણ સહાયક ભરતીની જાહેરાત 25 ઓક્ટોબર 2024ના રોજ જાહેરાત આપવામાં આવી હતી. જેમાં સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે 12,557 અને બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે 13,292 અરજીઓ મળી હતી. જે ઉમેદવારોનું જનરલ મેરીટ લિસ્ટ 7 ડિસેમ્બર, 2024ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. સરકારી ઉચ્ચતર માધ્યમિક ભરતી માટે 10 માર્ચ, 2025 સુધીમાં તથા બિનસરકારી અનુદાનિત ઉચ્ચતર માધ્યમિક ભરતી માટે 25 માર્ચ, 2025 સુધીમાં ડૉક્યુમેન્ટ વેરીફીકેશન લિસ્ટ જાહેર કરવામાં આવશે. તેમજ એપ્રિલ માસના અંત સુધીમાં સમગ્ર ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.
શિક્ષણ સહાયક- સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક ભરતી
રાજ્યની સરકારી માધ્યમિક શાળાઓમાં 1200 અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં 2317 એમ કુલ 3517 શિક્ષણ સહાયક ભરતીની જાહેરાત 10 ઓક્ટોબર, 2024ના રોજ જાહેરાત આપવામાં આવી હતી. જેમાં સરકારી માધ્યમિક શાળાઓ માટે 23,486 અને બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓ માટે 24,251 અરજીઓ મળી હતી. આ ઉમેદવારોનું જનરલ મેરીટ લિસ્ટ 7 ડિસેમ્બર, 2024ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. સરકારી માધ્યમિક ભરતી માટે 15 માર્ચ, 2025 સુધીમાં તથા બિનસરકારી અનુદાનિત માધ્યમિક ભરતી માટે 30 માર્ચ, 2025 સુધીમાં ડૉક્યુમેન્ટ વેરીફીકેશન લિસ્ટ જાહેર કરવામાં આવશે. તેમજ એપ્રિલ માસના અંત સુધીમાં સમગ્ર ભરતી પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.
આચાર્યની ભરતી
ગુજરાત રાજ્યની બિનસરકારી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં આચાર્યની કુલ-900 જગ્યાઓ માટે 1 ઓગસ્ટ 2024ના રોજ ભરતીની જાહેરાત આપવામાં આવી હતી. જેમાં કુલ 1209 અરજી મળી હતી, જેનું મેરીટ લિસ્ટ 4 ડિસેમ્બર, 2024ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. મેરીટ લીસ્ટના આધારે 3 જાન્યુઆરી, 2025થી 21 ફેબ્રુઆરી 2025 સુધી ઇન્ટરવ્યું પ્રક્રિયાનું આયોજન કરવામાં આવ્યું હતું. ઇન્ટરવ્યું પૂર્ણ થયા બાદ પસંદગી પામેલા ઉમેદવારોને નિમણૂક પત્ર આપવામાં આવ્યા છે. જેઓની 17 ફેબ્રુઆરી, 2025થી 26, ફેબ્રુઆરી 2025 સુધીમાં શાળામાં હાજર થવાની કાર્યવાહી ચાલુ છે.
જૂના શિક્ષક ભરતી
રાજ્યની બિનસરકારી અનુદાનિત માધ્યમિક શાળાઓમાં 2000 અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં 2000 એમ કુલ 4000 જૂના શિક્ષક ભરતીની જાહેરાત 1 ઓક્ટોબર 2024ના રોજ જાહેરાત આપવામાં આવી હતી. જેમાં કુલ 4532 અરજી મળી હતી. જેનું મેરીટ લિસ્ટ 12 ડિસેમ્બર, 2025ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. ઉમેદવારો માટે 12 ડિસેમ્બર, 2025થી 19 ફેબ્રુઆરી, 2025 દરમિયાન શાળા પસંદગીનો તબક્કો પૂર્ણ થયેલ છે. ટૂંક સમયમાં શાળા ફાળવણી અને નિમણૂક હુકમની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે.