વ્યારાની સુગર મિલમાં સહકારથી સમૃદ્ધિ અંતર્ગત સહકાર સંમેલનનું આયોજન
દિપેશ મજલપુરીયા, તાપીઃ જિલ્લાના વ્યારા ખાતે આવેલી સુગર મિલમાં સહકારથી સમૃદ્ધિ અંતર્ગત સહકાર સંમેલન ઉકાઈ પ્રદેશ સહકારી ખાંડ ઉદ્યોગ મંડળી લિમિટેડ તાપી સહકારી વહીવટી તંત્ર તેમજ સુરત તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સંઘ દ્વારા કર્યું હતું. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રી તેમજ બીજેપી પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સહિત રાજ્યના મંત્રીઓ, સહકારી ક્ષેત્રના આગેવાનો અને ધારાસભ્યો સહિત મોટી સંખ્યામાં ખેડૂત સભાસદો ઉપસ્થિત રહ્યા હતા.
તાપી જિલ્લા સ્થિત વ્યારા સુગર મિલમાં કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલ સહિતના મહાનુભાવો દ્વારા શેરડી પીલાણ સિઝનનો શુભારંભ કરાવીને ‘સહકારથી સમૃદ્ધિ’ કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ વેળાએ સરકારની પશુપાલનલક્ષી વિવિધ યોજનાઓ તથા દૂધ મંડળીમાં સોલાર પ્લાન્ટ સ્થાપવાની યોજનાના મંજૂરી પત્ર વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.
આ સાથોસાથ વ્યારા નગર પાલિકાના 53.74 કરોડના વિવિધ વિકાસલક્ષી કામોનું ઇ-લોકાર્પણ અને ખાતમુહૂર્ત મંત્રી સીઆર પાટીલના હસ્તે કર્યું હતું. આ દરમિયાન સીઆર પાટીલ દ્વારા વ્યારા સુગર મિલ ને બેઠી કરવા માટે ખેડૂતોને સહકાર આપવા અપીલ સાથે જિલ્લા કલેકટર ને પણ વિનંતી કરી હતી કે તાપી જિલ્લાની શેરડી વ્યારા સુગર મિલને મળે તેવા પ્રયાસો કરવામાં આવે જેથી વ્યારા સુગર મીલ બેઠી થવાની સાથે આ વિસ્તારની કાયાપલટ આવનાર દિવસોમાં ચોક્કસ થશે.