February 21, 2025

સોનગઢની આ આદિવાસી મહિલાનું અનોખું સાહસ, પકડાયેલા દીપડાઓમાં મૂકે છે ઇલેક્ટ્રોનિક ચિપ

દિપેશ મજલપૂરીયા, તાપીઃ એક સમયે શિક્ષક બનવા માગતી એક મહિલા હવે ખૂંખાર દીપડાઓ વચ્ચે રહી અતિહિંસક ગણાતા દીપડાને ઈલેક્ટ્રોનિક ચિપ મૂકવાનું કાર્ય કરે છે. તાપી જિલ્લાના ઘાઢ જંગલોમાં માત્ર લાકડીના સહારે ફરતી આ જાબાંઝ મહિલા આદિવાસી પરિવારની છે. જિલ્લામાં 2022 બાદ પકડાયેલા દીપડાઓ પૈકી 70 ટકા દીપડાઓમાં આ મહિલાએ ચિપ મૂકી ચૂકી છે.

તાપી જિલ્લા વન વિભાગમાં સોનગઢ રેન્જમાં બીટગાર્ડ તરીકે ફરજ બજાવતી દર્શના ચૌધરીની વર્ષ 2017માં ફોરેસ્ટ વિભાગમાં પસંદગી પામી હતી. 2019માં તેની બદલી ફોર્ટ સોનગઢમાં થઈ અને 2022માં સોનગઢ રેન્જમાં આવતા રેસ્ક્યૂ સેન્ટરની જવાબદારી પણ તેમના માથે આવી હતી. શરૂઆતમાં આ સેન્ટર ખાતે જ્યારે જિલ્લામાં પકડાયેલા દીપડાઓને લાવવામાં આવતા ત્યારે આ મહિલાને ડર લાગતો હતો, પરંતુ સમય જતાં તેની બીક ધીમે ધીમે દૂર થવા લાગી હતી. ત્યાં તો વન વિભાગ દ્વારા દીપડાઓની વસ્તી ગણતરી અને તેની હિલચાલ પર નજર રાખવા માટેની ઈલેક્ટ્રોનિક ચિપને પકડાયેલા દીપડાઓમાં મૂકવાની શરૂઆત કરી હતી.

શરૂઆતમાં સોનગઢના રેસ્ક્યૂ સેન્ટર ખાતે પુરુષ વનકર્મી દીપડાઓને ઈલેક્ટ્રોનિક ચિપ મૂકતા હતા. થોડા સમય બાદ આ ઈલેક્ટ્રોનિક ચિપ મૂકતા પુરુષ વનકર્મીની અન્ય જગ્યા પર બદલી થઈ અને આ જવાબદારી દર્શનાબેન પર આવી પડી હતી. દીપડાની સામાન્ય દહાડથી ઘભરાતી દર્શનાબેનને આ કાર્ય કરવાની હિંમત તેમના પતિ અને સ્ટાફ દ્વારા અપાઈ હતી.

આજે જ્યારે પણ આ વિસ્તારમાં દીપડા પકડાય એટલે બીટગાર્ડ દર્શનાબેનને યાદ કરવામાં આવે છે. જેઓ આવી ગણતરીની મિનિટોમાં ખૂંખાર દીપડાને ચિપ મૂકી દે છે. તેમનું માનવું છે કે, કાળા માથાનો માનવી ધારે તો શું ના કરી શકે. તેમણે વધુમાં જણાવ્યું કે, પોતાની અંદર રહેલી બીકને દૂર કરી હિંમતભેર કાર્ય કરવામાં આવે તો તે કાર્ય ચોક્કસ સરળ અને સફળ થઈ જાય છે.