વ્યારા સિવિલ હોસ્પિટલ સહિત મેડિકલ કોલેજના ખાનગીકરણનો વિરોધ, 5 જુન સુધી સરકારને અલ્ટિમેટમ

તાપીઃ જિલ્લામાં સિવિલ હોસ્પિટલ અને આવનારી મેડિકલ કોલેજના ખાનગીકરણનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. છેલ્લા બે માસથી આ મુદ્દે વ્યારા સિવિલ હોસ્પિટલ બહાર વિવિધ આદિવાસી સંગઠનો આંદોલન પર બેઠાં છે.
આજે ગુજરાત સ્થાપના દિવસે અને મજૂર દિવસે ફરી મોટી સંખ્યામાં આદિવાસીઓ કલેક્ટર કચેરી બહાર એકત્રિત થઈને ખાનગીકરણનો વિરોધ કર્યો છે. આગામી દિવસોમાં ચૂંટાયેલા પ્રતિનિધિઓના ઘરે ઘરે જઈ હોસ્પિટલ મુદ્દે વિરોધ કરવાની આગેવાનોએ ચીમકી ઉચ્ચારી છે.
બે મહિનાનાં ધરણાં પ્રદર્શન દરમિયાન ભાજપના એકપણ ચૂંટાયેલા પ્રતિનિધિ દ્વારા આ મામલે રસ ન દાખવતા સરકારના ચૂંટાયેલા પદાધિકારીઓ પ્રત્યે સ્થાનિકોમાં નારાજગી છે. વ્યારા રેફરલ હોસ્પિટલને સરકારી જ રહેવા દેવાની માગ સાથે સ્થાનિકો અડગ રહેતા મોટી સંખ્યામાં સ્થાનિકો રેલી અને જાહેર સભામાં જોડાયાં છે. 5 જૂન સુધીમાં આ મુદ્દે યોગ્ય નિરાકરણ લાવવા સરકારને અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે.