November 22, 2024

સરકારે આપેલી સાયકલ ભંગારમાં, શિક્ષણમંત્રીએ કહ્યુ – રિપોર્ટ મગાવીને જાણ કરવામાં આવશે

દિપક મજલપુરી, તાપીઃ ગુજરાત સરકાર દ્વારા શિક્ષણનું સ્તર ઊંચું આવે અને આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓને સ્કૂલ આવવા જવામાં તકલીફ ન પડે તે માટે સરકાર દ્વારા વિદ્યાર્થીઓને આપાતી સાયકલ છેલ્લા એક વર્ષથી વ્યારા સુગરના કમ્પાઉન્ડમાં ધૂળ ખાઈ રહી છે. ત્યારે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર તાપી જિલ્લાની મુલાકાતે હતા ત્યારે આ સાયકલોને રંગરોગાનનું કામ કરવામાં આવતા અનેક સવાલો ઉભા થયા છે.

કન્યા કેળવણી યોજના અંતર્ગત શાળાના પ્રવેશોત્સવ દરમિયાન આપવામાં આવતી સાયકલનો લાભ જે વિદ્યાર્થીઓને મળવો જોઇએ તે યોજનાની 2023ની સાયકલો છેલ્લા એક વર્ષથી વ્યારા સુગરના કમ્પાઉન્ડમાં ધૂળ ખાઈ રહી છે. ત્યારે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર તાપી જિલ્લાના પ્રવાસે હતા, તે દરમિયાન આ સાયકલોને ફરીથી રંગવામાં આવી હતી. કાટ ચડેલી સાયકલ પર વેલા ચડી ગયા હતા. ત્યારે આ ભંગાર સાયકલો વિદ્યાર્થીઓને પાછી વિતરણ કરવામાં આવશે તો સાયકલથી કોઈ અકસ્માતની ઘટના બને તો તેનો જવાબદાર કોણ તેવા સવાલો ઉભા થયા છે.

એજન્સી અને અધિકારીઓના પાપે ધૂળ ખાતી આ સાયકલને કેમ અને કયા કારણોસર વિદ્યાર્થીઓને 2023ના શાળા પ્રવેત્સોસવમાં ન આપવામાં આવી તેવા અનેક સવાલો ઊભા થયા છે. આ અંગે જ્યારે મીડિયા દ્વારા શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે સવાલ કરતા મંત્રીએ જણાવ્યું હતું કે, હકીકતલક્ષી તપાસ કરી રિપોર્ટ મગાવીને જાણ કરવામાં આવશે. જેને લઈ આસિસ્ટન્ટ ટ્રાઇબલ ડેવલોપમેન્ટ ઓફિસરને સવાલ કરતા તેમની જાણ બહાર આ કામ થતું હોય તેવું તેમણે જણાવ્યું હતું. તો બીજી તરફ કોંગ્રેસના ધારાસભ્ય ડો.તુષાર ચૌધરીએ જણાવ્યું હતું કે, આ સમગ્ર મામલે જવાબદાર લોકો સામે શિક્ષણ મંત્રી યોગ્ય કાર્યવાહી કરે.