September 18, 2024

તાપીનો એકવાગોલણ ધોધ જીવંત, પ્રવાસીઓ ઉમટી પડ્યાં

દિપેશ મજલપુરીયા, તાપીઃ જિલ્લામાં પડી રહેલા અવિરત વરસાદને પગલે જિલ્લાના જંગલનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. જંગલ વિસ્તારના ઝરણાં અને ધોધ જીવંત બન્યા છે. તેમાંનો જ એક સોનગઢ તાલુકાના એક્વા ગોલણ ગામે આવેલો એકવાગોલણ ધોધ જીવંત બનતા પ્રવાસીઓમાં એક આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે.

તાપી જિલ્લો પ્રકૃતિના ખોળે વસવાટ કરતો જિલ્લો છે. ખાસ કરીને ચોમાસાની ઋતુની શરૂઆત થતાંની સાથે જ અહીંનું જંગલ વિસ્તારનું સૌંદર્ય સોળે કળાએ ખીલી ઊઠે છે. આ કુદરતી સૌંદર્ય પ્રવાસીઓમાં એક આકર્ષણનું કેન્દ્ર બને છે. ચોમાસાની શરૂઆત થતાંની સાથે જ દક્ષિણ સોનગઢના ગાઢ જંગલોમાં આવેલા ધોધ તેમજ ઝરણાં જીવંત બનતા પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બને છે. તેમાંનો જ એક સોનગઢ તાલુકાના એક્વા ગોલણ ગામે આવેલો એક્વાગોલણ ધોધ જીવંત બનતા પ્રવાસીઓ માટે ફરવાલાયક સ્થળ બની રહ્યો છે.

ગાઢ જંગલોની વચ્ચે લગભગ 200 ફૂટની ઊંચાઈએથી પડતો આ ધોધ પર્યટકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. લગભગ ગાઢ જંગલોની વચ્ચે ત્રણ જેટલા ધોધ પડે છે. તેને માણવા માટે ટ્રેકિંગ પ્રેમી પ્રવાસીઓ આવી રહ્યા છે. પરંતુ આ ધોધ સુધી પહોંચવા માટે લગભગ બે કિલોમીટર જેટલું જંગલ વિસ્તારમાંથી ટ્રેકિંગ કરીને ધોધ સુધી પહોંચી શકાય છે. તેને કારણે પ્રવાસીઓ અહીં આવવાનું ટાળી રહ્યા છે. જો વન વિભાગ દ્વારા આ ધોધ સુધી પહોંચવા માટે રસ્તો બનાવી આપવામાં આવે તો ત્યાંના સ્થાનિક ગામના લોકોને રોજગારીની તકો પણ ઊભી થઈ શકે તેમ છે.