September 29, 2024

તમિલનાડુના ડેપ્યૂટી CM બનશે ઉદયનિધિ સ્ટાલિન, મોડી સાંજે કેબિનેટમાં ફેરફાર

ચેન્નાઈઃ તમિલનાડુ સરકારે શનિવારે મોડી સાંજે કેબિનેટમાં મોટો ફેરફાર કર્યો છે. એમકે સ્ટાલિન સરકારે ઉદયનિધિ સ્ટાલિનને ડેપ્યુટી સીએમ બનાવ્યા છે. સેંથિલ બાલાજીને ફરીથી કેબિનેટમાં સામેલ કરવામાં આવ્યા છે. શપથ ગ્રહણ સમારોહ 29 સપ્ટેમ્બરે બપોરે 3.30 કલાકે રાજભવન ખાતે યોજાશે. ઉલ્લેખનીય છે કે, ઉદયનિધિ સ્ટાલિન સીએમ એમકે સ્ટાલિનના પુત્ર છે. રાજ્યમાં ઘણા સમયથી ઉદયનિધિને ડેપ્યુટી સીએમ બનાવવાની ચર્ચા ચાલી રહી હતી. પાર્ટી કાર્યકર્તાઓ પણ ઘણા પ્રસંગોએ ઉજવણી કરતા જોવા મળ્યા હતા.

અગાઉ, મુખ્યમંત્રી એમકે સ્ટાલિને તમિલનાડુના રાજ્યપાલ આરએન રવિને ભલામણ કરી હતી કે, ઉદયનિધિને તેમના વર્તમાન પોર્ટફોલિયો ઉપરાંત આયોજન અને વિકાસ વિભાગ આપવામાં આવે અને તેમને નાયબ મુખ્યમંત્રી બનાવવામાં આવે. તમિલનાડુના સીએમ એમકે સ્ટાલિને વી. સેંથિલ બાલાજી, ડૉ. ગોવી. ચેઝિયાન અને આર. રાજેન્દ્રન, થિરુ એસએમ નાસરને કેબિનેટમાં સામેલ કરવા સાથે ઉધયનિધિને ડેપ્યુટી સીએમ તરીકે નોમિનેટ કરવા માટે રાજ્યપાલને ભલામણ કરી છે.

આવતીકાલના કેબિનેટ વિસ્તરણમાં સૌથી આશ્ચર્યજનક નામ સેંથિલ બાલાજીનું છે. જેમને 26 સપ્ટેમ્બરે જ સુપ્રીમ કોર્ટે જામીન આપ્યા હતા. એક વર્ષ પહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. હવે તેઓ ફરીથી તમિલનાડુ સરકારમાં કેબિનેટ મંત્રી બનશે. સ્ટાલિન સરકારે કેબિનેટમાં કુલ છ ફેરફાર કર્યા છે. વર્તમાન સરકારમાં ઉચ્ચ શિક્ષણ મંત્રી ડો. કે.પોનમુડી હવે વન વિભાગનો હવાલો સંભાળશે. પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન મંત્રાલય સંભાળી રહેલા શિવ મયનાથનને પછાત વર્ગ કલ્યાણ વિભાગ સોંપવામાં આવ્યો છે.

એનકે સેલ્વરાજને હવે માનવ સંસાધન પ્રબંધન મંત્રાલયની જવાબદારી મળી છે. વન વિભાગ સંભાળી રહેલા ડૉ. એમ. મથિવેન્થનને આદિ દ્રવિડ કલ્યાણ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી છે. આરએસ રાજકનપ્પનને પછાત વર્ગ કલ્યાણ મંત્રાલયમાંથી મુક્ત કરીને દૂધ અને ડેરી વિકાસ અને ખાદી મંત્રાલય આપવામાં આવ્યું છે. જ્યારે ટી. થેન્નારસુને પર્યાવરણ અને જળવાયુ પરિવર્તન મંત્રાલય આપવામાં આવ્યું છે.

રાજ્યપાલે દૂધ અને ડેરી વિકાસ પ્રધાન ટી. મનો થંગારાજ, લઘુમતી કલ્યાણ અને બિન-નિવાસી તમિલ કલ્યાણ પ્રધાન કે. એસ. મસ્તાન અને પ્રવાસન મંત્રી કે. રામચંદ્રનને મંત્રી પરિષદમાંથી હટાવવાની મુખ્યમંત્રીની ભલામણને પણ મંજૂરી આપવામાં આવી છે.

સેંથિલ બાલાજીની ફરીવાર વાપસી
સેંથિલ બાલાજીની ઈડીએ ગયા વર્ષે 14 જૂને મની લોન્ડરિંગ કેસમાં ધરપકડ કરી હતી. જ્યારે તેમની ધરપકડ કરવામાં આવી ત્યારે સેંથિલ બાલાજી AIADMK સરકારમાં પરિવહન મંત્રી હતા. આ કેસ તમિલનાડુ પરિવહન વિભાગમાં બસ કંડક્ટર અને ડ્રાઇવરો અને જુનિયર એન્જિનિયરોની નિમણૂકમાં કથિત અનિયમિતતા સાથે સંબંધિત છે. બાલાજીએ તેમની ધરપકડના આઠ મહિના પછી 13 ફેબ્રુઆરીએ તમિલનાડુ કેબિનેટમાંથી રાજીનામું આપ્યું હતું.