તહવ્વુર રાણાને 18 દિવસની કસ્ટડી, NIA 26/11 હુમલા અંગે પૂછપરછ કરશે

Tahawwur Rana: પટિયાલા હાઉસ કોર્ટે મુંબઈમાં 26/11ના આતંકવાદી હુમલાના માસ્ટરમાઇન્ડ તહવ્વુર રાણાને 18 દિવસની કસ્ટડીમાં મોકલી દીધો છે. NIAએ 20 દિવસની કસ્ટડી માગી હતી. હવે તે 18 દિવસ સુધી NIA કસ્ટડીમાં રહેશે. આ સમયગાળા દરમિયાન, એજન્સી 2008ના ઘાતક હુમલા પાછળના સમગ્ર કાવતરાને જાણવા તેની વિગતવાર પૂછપરછ કરશે. આ હુમલામાં 166 લોકો માર્યા ગયા હતા અને 238થી વધુ લોકો ઘાયલ થયા હતા.

NIAએ 26/11ના મુંબઈ હુમલાના આરોપી તહવ્વુર રાણા દ્વારા મોકલવામાં આવેલા ઈમેલ સહિત અનેક મજબૂત પુરાવા રજૂ કર્યા હતા, જે તેની પોલીસ કસ્ટડીને યોગ્ય ઠેરવે છે. એજન્સીએ કોર્ટને જણાવ્યું હતું કે, આ ભયંકર કાવતરાનો પર્દાફાશ કરવા માટે કસ્ટોડિયલ પૂછપરછ જરૂરી છે. તપાસકર્તાઓ ઘાતક આતંકવાદી હુમલાઓને અંજામ આપવામાં રાણાની ભૂમિકાની પણ તપાસ કરશે. NIA રાણાને પટિયાલા હાઉસ કોર્ટથી તેના મુખ્યાલયમાં લાવ્યું છે.

NIAએ વધુમાં જણાવ્યું હતું કે, ગુનાહિત ષડયંત્ર હેઠળ, આરોપી નંબર-1 ડેવિડ કોલમેન હેડલીએ ભારત આવતા પહેલા તહવ્વુર રાણા સાથે સમગ્ર ઓપરેશનની ચર્ચા કરી હતી. સંભવિત પડકારોની અપેક્ષા રાખીને હેડલીએ રાણાને એક ઇમેઇલ મોકલ્યો જેમાં તેના તમામ સામાન અને સંપત્તિની વિગતો આપવામાં આવી હતી. તેણે રાણાને ઇલ્યાસ કાશ્મીરી અને અબ્દુર રહેમાનની કાવતરામાં સંડોવણી વિશે પણ માહિતી આપી.

અગાઉ, મુંબઈ આતંકવાદી હુમલાના કાવતરાખોર તહવ્વુર રાણાને અમેરિકાથી પ્રત્યાર્પણ કરીને ભારત લાવવામાં આવ્યો હતો. રાણા સાથે દિલ્હી પહોંચેલી રાષ્ટ્રીય તપાસ એજન્સીની (NIA) ખાસ ટીમમાં ત્રણ અધિકારીઓએ સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. રાણાને અમેરિકાથી ભારત લાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવનારા અધિકારીઓમાં 1997 બેચના ઝારખંડ કેડરના IPS આશિષ બત્રા, છત્તીસગઢ કેડરના IPS અધિકારી પ્રભાત કુમાર ઉપરાંત ઝારખંડ કેડરના મહિલા IPS જયા રોયનો સમાવેશ થાય છે.

17 વર્ષ પછી ભારતમાં દેખાયો
26/11ના મુંબઈ હુમલામાં 174 લોકો માર્યા ગયા હતા અને 300થી વધુ ઘાયલ થયા હતા. આ હુમલો પાકિસ્તાન સ્થિત આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા દ્વારા કરવામાં આવ્યો હતો. રાણા પર આ હુમલાનું કાવતરું ઘડવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવાનો આરોપ છે. 2011માં ભારતીય અદાલતે તેમને દોષિત ઠેરવ્યા હતા, પરંતુ તે સમયે તેઓ અમેરિકામાં હતા. 2009માં તેની અમેરિકામાં ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારથી તે પ્રત્યાર્પણ સામે કાનૂની લડાઈ લડી રહ્યો છે.