September 17, 2024

કાલિંદી એક્સપ્રેસને ઉડાવી દેવાના ષડયંત્રમાં ISના ખોરાસન મોડ્યુલ પર અટકી શંકાની સોય

Kalindi Express News: કાલિંદી એક્સપ્રેસ ટ્રેનને પાટા પરથી ઉતારી પાડવાના ષડયંત્ર પાછળ આતંકવાદી સંગઠન IS (ઈસ્લામિક સ્ટેટ)ના ખોરાસાન મોડ્યુલ પર તપાસ એજન્સીઓની શંકા વધુ ઘેરાઈ રહી છે. આ કારણથી IB, NIA, UP ATS સહિતની ઘણી એજન્સીઓએ કાનપુરમાં ધામા નાખ્યા છે અને ષડયંત્ર સાથે જોડાયેલા દરેક પાસાઓની ઝીણવટપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં એજન્સીઓને કોઈ મહત્વનો સુરાગ તો મળ્યો નથી, પરંતુ માનવામાં આવી રહ્યું છે કે આ ષડયંત્ર રેલવે પર લૉન વુલ્ફ એટેકનો પ્રયાસ છે.

તાજેતરમાં જ મળ્યું હતું એલર્ટ
સૂત્રોના જણાવ્યા અનુસાર, હાલમાં જ તપાસ એજન્સીઓને આ મામલે એક એલર્ટ પણ મળ્યું હતું, જેમાં દેશના મહત્વપૂર્ણ મથકો અને રેલવેને નિશાન બનાવવાની ચેતવણી આપવામાં આવી હતી. કાનપુરમાં છેલ્લા એક મહિનામાં રેલવે ટ્રેકને નુકસાન પહોંચાડીને ટ્રેનને પાટા પરથી ઉતારવાનું કાવતરું પ્રકાશમાં આવ્યા બાદ ખોરાસન મોડ્યુલ શંકાના ઘેરામાં આવી ગયું છે. આ મોડ્યુલે વર્ષ 2017માં ભોપાલ રેલ્વે સ્ટેશન પર પેસેન્જર ટ્રેનમાં ટાઈમ બોમ્બ મૂક્યો હતો, જેમાં વિસ્ફોટને કારણે ઘણા મુસાફરો ઘાયલ થયા હતા.

પહેલા પણ રેલવેને બનાવાઇ નિશાન
ત્યારબાદ, તેલંગાણા ATSની બાતમીના આધારે UP ATSએ લખનૌમાં મોડ્યુલના મેમ્બર સૈફુલ્લાહને એન્કાઉન્ટરમાં ઠાર માર્યો હતો. તેની પાસેથી સિલિન્ડર બોમ્બ અને IED વગેરે બનાવવા માટેની સામગ્રી મળી આવી હતી. વર્ષ 2017માં કાનપુર દેહાતના પુખરાયા ખાતે ભોપાલ-ઈન્દોર એક્સપ્રેસને પણ આ જ રીતે નિશાન બનાવવામાં આવી હતી. તેની તપાસ NIAને સોંપવામાં આવી હતી. તેમાં IEDના ઉપયોગની કડીઓ મળી આવી હતી. તેની કડીઓ બિહારના મોતિહારીમાં થયેલા ટ્રેન દુર્ઘટનાના આરોપીઓ સાથે જોડાયેલી હતી. આ ઉપરાંત દુબઈમાં બિઝનેસ કરનાર નેપાળના શમશુલ હુદાનું નામ પણ સામે આવ્યું છે, જે પાકિસ્તાની ગુપ્તચર એજન્સી આઈએસઆઈની સૂચના પર કામ કરતો હતો.

આ પણ વાંચો: PM મોદી વિરુદ્ધ ટિપ્પણી મામલે શશિ થરૂર સુપ્રીમ કોર્ટના શરણે, માનહાનિ કેસમાં માંગી રાહત