રામમંદિરમાં સૂર્યતિલક: સનાતનનો સૂર્યોદય, આસ્થાનું એન્જિનિયરિંગ
જીગર ઠાકર: ભારતના ઘટઘટમાં શ્રીરામ છે. જોકે આજનો દિવસ વિશેષ છે. રામનવમી પર અયોધ્યામાં ભવ્ય રામમંદિરમાં સૂર્યવંશી શ્રીરામના લલાટ પર સૂર્યકિરણથી તિલક કરવામાં આવ્યું. સૂર્યકિરણ ભગવાનના લલાટ પર પડે એના માટે અત્યાધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ અભૂતપૂર્વ સૂર્યતિલક માટે ખાસ ઇન્સ્ટ્રુમેન્ટ ડિઝાઇન કરવામાં આવ્યું છે. રામનવમીના પવિત્ર અવસરે જ આ સફળતા મળે એ માટે દસ ખ્યાતનામ ભારતીય વિજ્ઞાનીઓની ટીમ રામમંદિરમાં જ રહી હતી. બપોરે 12 વાગ્યાથી લગભગ ત્રણથી સાડાત્રણ મિનિટ સુધી આ સિદ્ધિ હાંસલ કરવામાં આવી હતી. જેના માટે અરિસા અને લેન્સીસના કોમ્બિનેશનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.
આ સૂર્યતિલક પાછળનું સાયન્સ ખરેખર ખૂબ જ જટિલ છે. સરકારી સંસ્થાનના વિજ્ઞાનીઓની એક ટીમ બનાવવામાં આવી. એક જટિલ મશીન તૈયાર કરવામાં આવ્યું હતું. આ જટિલ મશીનને ‘સૂર્ય તિલક મિકેનિઝમ’ નામ અપાયું છે. એન્જિનિયરિંગના ફીલ્ડમાં આ એક મોટી સિદ્ધિ છે.
સૂર્યતિલકનું સાયન્સ
- મંદિરના ત્રીજા માળે ઑપ્ટોમિકેનિકલ સિસ્ટમ સ્થાપિત કરાઈ.
- પાઇપિંગ સિસ્ટમમાં અરીસા અને લેન્સને ફિટ કરાયા.
- સૂર્યનાં કિરણો ત્રીજા ફ્લોર પર રહેલી સિસ્ટમ પર પડ્યાં.
- સૂર્ય કિરણો પહેલાં લેન્સ પર પડ્યા.
- પહેલાં લેન્સથી પહેલાં અરીસા તરફ આગળ વધ્યા.
- ત્રીજા માળે જ રહેલા બીજા અરીસા પર કિરણો આગળ વધ્યા.
- અહીંથી ગર્ભગૃહ તરફ સૂર્યકિરણોને ડાઇવર્ટ કરાયાં.
- 90 ડિગ્રીએ સૂર્યકિરણોને રિફ્લેક્ટ કરાયાં.
- ગર્ભગૃહના માર્ગમાં બે લેન્સ મુકાયા.
- ગર્ભગૃહમાં મુકાયેલા ત્રીજા અરીસા પર પડ્યાં કિરણો.
- અહીંથી ચોથા લેન્સ સુધી ગયા.
- સૂર્યકિરણો આખરે ચોથા અરીસા પર ગયાં.
- આખરે સૂર્યતિલક કરવામાં આવ્યું.
- સૂર્યકિરણો ન વિખેરાય એના માટે ખાસ વ્યવસ્થા.
- બ્લેક પાઉડરનું કોટિંગ કરવામાં આવ્યું.
રુરકીના CBRI એટલે કે સેન્ટ્રલ બિલ્ડિંગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ અને બેંગ્લોરની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિઝિક્સના કોલોબ્રેશનથી આ સૂર્યતિલકની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ વિજ્ઞાનીઓએ સોલાર ટ્રેકિંગના સિદ્ધાંતોનો ઉપયોગ કર્યો હતો. મંદિરના ત્રીજા માળથી ગર્ભગૃહ સુધી સૂર્યકિરણોને પહોંચાડવા માટે ચોકસાઈથી એલાઇનમેન્ટ નક્કી કરવામાં આવ્યું હતું.
સનાતનનો સૂર્યોદય, આસ્થાનું એન્જિનિયરિંગ
ખબરની ન કરો ફિકર Prime 9 With JIGAR#sanatan #sanatandharma #Ram #rammandir #ayodhya #AyodhyaDham #ayodhyarammandir #Prime9 #JaneCheGujarat #NewsCapitalGujarat pic.twitter.com/CdcHjykkMd
— NewsCapital Gujarat (@NewsCapitalGJ) April 17, 2024
આ આખી સિસ્ટમ વિશે વધુ જાણકારી
- પાઇપિંગ સિસ્ટમની લંબાઈ 65 ફૂટ.
- અષ્ટધાતુના 20 પાઇપ મુકાયા.
- પાઇપની લંબાઈ લગભગ એક મીટર.
- પાઇપનો ડાયામીટર 200 મિલીમીટર.
- પાઇપ્સને મંદિરની અંદર લાવવામાં આવ્યા.
- ગરમ કિરણો રામલલાના લલાટ પર ન પડે એ માટે વ્યવસ્થા.
- ખાસ ફિલ્ટરનો ઉપયોગ કરવામાં આવ્યો.
- સૂર્યનાં કિરણોનું તાપમાન અડધું ઘટાડાયું.
- દર વર્ષે રામનવમી પર સૂર્યતિલક કરાશે.
- 2043 સુધી સૂર્યતિલકનો ટાઇમિંગ વધશે.
- પાઇપને એ રીતે ફિટ કરાયો કે એ દેખાય નહીં.
- સિસ્ટમ વર્ષો સુધી ખરાબ નહીં થાય.
- સિસ્ટમ ઑપરેટ કરવી સરળ.
- મેઇન્ટેનન્સનો કોઈ ખર્ચ નહીં.
- સૂર્યના કિરણોને રિફ્લેક્ટ કરવા અરીસા અને લેન્સ.
- અરીસા અને લેન્સનો લાંબા સમય સુધી ઉપયોગ થઈ શકશે.
સૂર્યવંશી શ્રીરામના લલાટ પર સૂર્યતિલક ખરેખર આસ્થા અને એન્જિનિયરિંગનો અનોખો સંગમ છે. જોકે, ગુજરાતના એક મંદિરમાં દર વર્ષે સૂર્ય તિલકનો અદભૂત નજારો કુદરતી રીતે જોવા મળે છે.
સૂર્યવંશી શ્રીરામને સૂર્યતિલક બાદ હવે અમે ગુજરાતના જ મંદિરમાં ભગવાનને થતાં સૂર્યતિલકની વાત
ગાંધીનગરના કોબા ખાતે આવેલા પ્રસિદ્ધ જિનાલયમાં દર વર્ષે 22 મેએ ભગવાન મહાવીર સ્વામીના ભાલે સૂર્યતિલક કરવામાં આવે છે. જેને જોવા માટે દુનિયાભરમાંથી લોકો આવે છે. હજી સુધી કોઈ વાદળ કે કોઈપણ પ્રાકૃતિક આપદાને કારણે સૂર્યતિલક ન થયું હોય એવો પ્રસંગ બન્યો નથી. આ કોઈ ચમત્કાર નથી પરંતુ શિલ્પ શાસ્ત્ર, ગણિતશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રના સમન્વયથી બનતી ઘટના છે. આ સમન્વયથી આ દેરાસરનું નિર્માણ કરાવવામાં આવ્યું છે.
કેવી રીતે થાય છે સૂર્યતિલક?
- સૂર્યની ગતિ નિશ્ચિત.
- જ્યોતિષ શાસ્ત્ર મુજબ સૂર્ય ક્યારેય વક્ર ગતિ નથી કરતો.
- 22 મી મેના દિવસે બપોરના 2 વાગ્યે અને 7 મિનિટ પર આ સૂર્યતિલક થાય.
- માત્ર સાત મિનિટ સુધી નજારાને માણવા મળે.
કોર્ણાક મંદિરની ભવ્યતા
સૂર્ય અને મંદિર બાદ વધુ એક આશ્ચર્યજનક જગ્યા છે તે છે કોર્ણાકનું સૂર્યમંદિર. કોર્ણાક મંદિરની ભવ્યતા અને અદ્ભુત શિલ્પકળાના કારણે દુનિયાભરમાંથી લોકો અહીં આવે છે. આ મંદિરનું નામ કોણ અને અર્કથી જોડાઈને બન્યું છે. કોણ એટલે કે ખૂણો અને અર્ક એટલે કે સૂર્ય. એટલે કે સૂર્યદેવનો ખૂણો. ઓડિશાના પુરી શહેરથી 37 કિલોમીટર દૂર ચન્દ્રભાગા નદીના કાંઠે આ મંદિર આવેલું છે.
અદ્વિતીય કોર્ણાક મંદિર
- 1200 મજૂરો દ્વારા 12 વર્ષમાં નિર્માણ થયું.
- મંદિરની ઉંચાઈ 229 ફૂટ.
- ભગવાન સૂર્યની એક જ પથ્થરથી બનેલી ત્રણ મૂર્તિ સ્થાપિત.
- સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધીના તમામ તબક્કા દર્શાવાયા.
- વર્ષના 12 મહિના સૂચવે છે મંદિરનાં 12 ચક્ર.
- દરેક ચક્રના આઠ ભાગ, જે આઠ પ્રહર સૂચવે છે.
- સાત ઘોડા અઠવાડિયાના સાત દિવસ સૂચવે છે.
- ચક્રો પર પડતા પડછાયાથી સમયનો અંદાજ લગાવી શકાય.
મોઢેરા સૂર્યમંદિર
આપણા ગુજરાતનો ભવ્ય વારસો મહેસાણા જિલ્લાના મોઢેરા સૂર્યમંદિર છે. મોઢેરા સૂર્યમંદિરનું નિર્માણ સોલંકીકાળમાં થયું હતું. એ સમયે આ મંદિરનું એ રીતે નિર્માણ કરાયું હતું કે, વહેલી સવારે સૂર્યોદય થતાંની સાથે જ સૂર્યનું પહેલું કિરણ મંદિરના પ્રથમ ભાગ એવા સૂર્યકુંડમાં અને બાદમાં સૂર્યકુંડના પાણીથી પરાવર્તિત થઈને સૂર્યમંદિરના ત્રીજા ભાગ એવા સૂર્યદેવતાની મૂર્તિ હતી તે ગર્ભગૃહમાં પડતું હતું. સૂર્યદેવતાની મૂર્તિના રત્નો પર પડતાં સૂર્યકિરણ ત્યાંથી સમગ્ર મંદિરમાં અનેક કિરણોમાં પરાવર્તિત થતું હતું. આમ સમગ્ર સૂર્યમંદિર સૂર્યના પહેલા કિરણથી ઝગમગી ઉઠતું હતું. હાલમાં પણ 21 માર્ચ અને 22 સપ્ટેમ્બરના દિવસે આ સંજોગો બને છે. જેમાં સૂર્યનું પહેલું કિરણ સૂર્યકુંડથી પરાવર્તિત થઈ ગર્ભગૃહમાં પહોંચે છે. જોકે, અત્યારે મંદિરમાં સૂર્યેદેવની પ્રતિમા નથી. જેથી પહેલાંની જેમ સૂર્યકિરણોનું પરાવર્તન મંદિરમાં થવાનો સંજોગ હવે રહ્યો નથી.
ગુજરાતનું સૂર્યમંદિર
- મહેસાણા જિલ્લાના મોઢેરામાં સૂર્યમંદિર.
- ઉગતા સૂર્યના પહેલાં કિરણો સૂર્યમંદિર પર પડે.
- 21 માર્ચ અને 22 સપ્ટેમ્બરનો દિવસ ખાસ.