March 1, 2025

લીંબડીના રળોલ ગામે પીકઅપ વાનમાં આગ, 4 લોકોનાં મોત

લીંબડીઃ સુરેન્દ્રનગરના લીંબડી તાલુકાના રળોલ ગામે ઘર પાસે પડેલી પીકઅપ વાનમાં આગ લાગી હતી. જે ઘરમાં ફેલાતા 4 લોકોનાં મોત નીપજ્યા છે. ત્યારે ફાયરવિભાગને આ ઘટનાની જાણ કરતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને આગ પર પાણીનો મારો ચલાવ્યો હતો.

મળતી માહિતી પ્રમાણે, રળોલ ગામે ઘર પાસે પડેલી પીકઅપ વાનમાં આગ લાગી હતી. ત્યારે આગ પ્રસરતા મકાન સુધી પહોંચી હતી અને ચાર લોકોનાં મોત નીપજ્યા છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે, વાનમાંથી ડીઝલના કેરબા ઉતારતી વખતે આગ લાગી હતી.

આગ લાગતા લોકોએ તાત્કાલિક આ ઘટનાની જાણ ફાયર વિભાગને કરી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ બુઝાવવાના પ્રયત્ન હાથ ધર્યા હતા. લીંબડી સહિત સુરેન્દ્રનગરની ફાયર ટીમે પાણીનો મારો ચલાવી આગ બુઝાવવાના પ્રયત્ન હાથ ધર્યા હતા. ઉલ્લેખનીય છે કે, મૃત્યુઆંક વધે તેવી શક્યતા છે.