સુરેન્દ્રનગરના અંતરિયાળ નળકાંઠાના ગામોમાં પીવાના પાણીની સમસ્યા, ઘરે ઘરે નળ પણ પાણીનો છાંટોય નહીં!

વિજય ભટ્ટ, સુરેન્દ્રનગરઃ જિલ્લાના અંતરિયાળ નળકાંઠાના ગામમાં પીવાના પાણીને લઈ લોકોને હાલાકી પડી રહી છે. ગામમાં ઘરે ઘરે નળ છે, પરંતુ નળમાં પાણી ન આવતા મહિલાઓ અને ગ્રામજનોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.
સુરેન્દ્રનગર જિલ્લામાંથી સૌરાષ્ટ્ર કચ્છથી પાણી પૂરું પાડવામાં આવે છે. પરંતુ લીંબડી તાલુકાના નાની કઠેચી, ગળથળ સહિતના ત્રણ ગામો પીવાના પાણીને લઈ સહિત ગ્રામજનો હાલાકી ભોગવી રહ્યા છે. ચોમાસા દરમિયાન આ નળકાંઠામાં વિસ્તારમાં ગામો બેટમાં ફેરવાય છે, પરંતુ ભરઉનાળે આ ગ્રામજનો પાણી માટે વલખા મારતા હોય છે. ત્યારે ગામથી એકાદ કિલોમીટર દૂર પાણીના સંપમાં પીવાનું પાણી તેમજ કપડાં ધોવા સહિતના પાણી માટે મહિલાઓ જતી હોય છે. વર્ષોથી આ ગામની સમસ્યા તંત્રના કારણે અનેક રજૂઆત કરવા છતાં કોઈ જ ઉકેલ ન આવ્યો હોવાથી સ્થાનિકોમાં રોષ જોવા મળ્યો છે.
સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે અને કેટલીય યોજનાઓ કાર્યરત છે. પરંતુ અંતરિયાળ ગામમાં અલગ સ્થિતિ જોવા મળી રહી છે. પાણીની લાઈન આવે છે, પરંતુ અધવચ્ચે માથાભારે તત્વો દ્વારા પાણીની ચોરી થતી હોવાનો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે. 18,000ની વસતિ ધરાવતા નાની કઠેચી ગામમાં લોકોને પીવાનું પાણી ન આવતા તેમને વેચાતું પાણી લાવવું પડે છે. જેમાં છકડા-રીક્ષાના 500 રૂપિયા અને ટ્રેક્ટરના 1500 રૂપિયા આપી પાણી વેચાતું લઈ રહ્યા છે.
પાણીનો ફોર્સ ઓછો આવતા સંપ કે ટાંકી ન ભરાવવાથી ગામ લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે આખો દિવસ મજૂરી અને ખેતરે કામ કરીને મહિલાઓ પુરુષો સાંજના સમયે પાણી ભરવા સ્થળ કે સંપમાં જાય છે. ત્યારે માથાકૂટ અને ઝઘડા પણ થતા હોય છે, તેવું ગ્રામજનો કહી રહ્યા છે.