January 24, 2025

26મી જાન્યુઆરીએ આ વર્ષે પરેડમાં દેખાશે ‘ઝાલાવાડની ઝાંખી’, પ્રથમવાર દુહા-છંદ સાથે રાસની રમઝટ

વિજય ભટ્ટ, સુરેન્દ્રનગરઃ જિલ્લાના માલધારી રાસ-મંડળીના સભ્યો લાલ કિલ્લા પરેડમાં કર્તવ્ય પથ પર યોજાનારા ધ્વજ વંદનના કાર્યક્રમમાં પસંદગી પામ્યા છે. ત્યારે સુરેન્દ્રનગરની માલધારી રાસ મંડળીના 20 જેટલા માલધારી કલાકારો 26 જાન્યુઆરીએ દિલ્હીમાં યોજાનારી પરેડમાં પ્રથમવાર દુહા, છંદ, રાસથી ઝાલાવાડની સંસ્કૃતિની ઝાંખી કરાવશે.

સુરેન્દ્રનગર જિલ્લો અનેક લોકસંસ્કૃતિ-લોકજીવન અને લોકનૃત્યો માટે જાણીતો છે. તેમાં ખાસ કરીને ભરવાડ સમાજના યુવાનો દ્વારા લેવાતા રાસ, હુડો, ગોફરાસ જોઈ લોકો આશ્ચર્યચકિત થતા હોય છે. આવા રાસ માટે સુરેન્દ્રનગરના જોરાવનગરની માલધારી રાસ મંડળી દેશ વિદેશમાં જાણીતી છે. આ મંડળી આગામી 26 જાન્યુઆરીએ પ્રજાસત્તાક દિન નિમિત્તે કર્તવ્ય પથ પર ધ્વજવંદનના કાર્યક્રમમાં ભાગ લેવા પસંદગી થયા છે.

આ અંગે ગ્રુપના લીડર પ્રદીપ પરમારે જણાવ્યું કે, આ ગ્રુપની સ્થાપના માલધારી સમાજની પરંપરાગત સંસ્કૃતિ જાળવવાના હેતુથી આશરે 35 વર્ષથી ચાલે છે. ભગવાન શ્રીકૃષ્ણ જ્યારે ગોકુળમાં હતા, ત્યારે વૃંદાવનમાં ગાયો ચરાવવા જતા હતા. તે સમયે તેમનો ગોપ મિત્રો સાથે અને ગોપીઓ સાથે અનેક પ્રકારના રાસ રમતા તે રાસ અમે કરીએ છીએ. જેમાં રાસ, હુડો રાસ, ગોફ રાસ, ત્રણ તાળી, ટીટોડા રાસ અને છત્રી રાસ વગેરે રજૂ કરીએ છીએ. અમારું રાસ ગ્રુપ ગુજરાત સરકારના મોટાભાગના ઉજવણીના પ્રોગ્રામ જેવા કે 15મી ઓગસ્ટ હોય કે 26મી જાન્યુઆરી, કાંકરિયા કાર્નિવલ, વાઇબ્રન્ટ નવરાત્રી હોય કે કોઈ પણ મેળા હોય દરેક જગ્યાએ પરફોર્મન્સ આપીને ઝાલાવાડનું નામ રોશન કરે છે.’

તેઓ વધુમાં જણાવે છે કે, ‘અંબાણી પરિવારનું મેરેજ ફંક્શન જામનગરમાં થયું ત્યારે તેમજ ગિફ્ટ સિટી ગાંધીનગરમાં થયેલા બોલીવુડના સૌથી લોકપ્રિય એવોર્ડ આઈફા એવોર્ડમાં પણ રાસ મંડળીએ પોતાનું કૌશલ્ય રજૂ કર્યું હતું. ગુજરાતમાં જ નહીં પણ બીજા રાજ્ય સહિત વિદેશમાં પણ અનેક પ્રોગ્રામ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યા છે. હાલ અમારા ગ્રુપની ભારત સરકારના સાંસ્કૃતિક વિભાગ દ્વારા પસંદગી થતા 20 કલાકારો જ્યારે દેશના વડાપ્રધાન 26 જાન્યુઆરીએ દિલ્હીના કર્તવ્ય પથ પર ધ્વજવંદન કરશે, ત્યારે આપણી ઝાલાવાડની સંસ્કૃતિની ઝાંખી કરાવવા માટે અમારી મંડળી ત્યાં ઝાલાવાડ રાસ રજૂ કરશે. કેન્દ્ર સરકાર દ્વારા અમારી મંડળીને 26 જાન્યુઆરીની આ પરેડમાં નિમંત્રણ મળ્યું તે અમારા માટે સૌથી મોટી ગૌરવની વાત છે.’