સુરતીલાલાએ શોધ્યો સોનાનો ઓપ્શન, લાકડાંમાંથી બનાવે છે અદ્દલ ગોલ્ડ જ્વેલરી

અમિત રુપાપરા, સુરતઃ સોનાનો ભાવ ઓલ ટાઈમ હાઈ સપાટી પર જોવા મળી રહ્યો છે અને 10 ગ્રામ સોનું 1,00,000 રૂપિયા પાર કરી ગયું છે. ત્યારે લોકોની ખરીદશક્તિ પર તેની અસર જોવા મળી રહી છે. લોકો ઓછા ભાવમાં હેવી લુક ધરાવતી સોનાની ખરીદી કરી શકે તેવા હેતુથી સુરતના એક જ્વેલર્સ દ્વારા વુડન ગોલ્ડ જ્વેલરી તૈયાર કરવામાં આવી છે. આ ઉપરાંત ખાસ કરીને પુરુષો માટે પ્લેટિનમ લુક આપતી સ્ટીલ ડાયમંડ જ્વેલરી તૈયાર કરવામાં આવી છે.
લગ્ન પ્રસંગ કે પછી અન્ય શુભ પ્રસંગો હોય તેમાં લોકોને સોનાની ખરીદી કરવી પડે છે. પરંતુ હાલ સોનાનો ભાવ એક લાખ રૂપિયા તોલુ હોવાના કારણે લોકોને સોનાના દાગીના ખરીદવા મોંઘા પડી રહ્યા છે. તેવામાં હેવી લુક ધરાવતા સોનાના દાગીના લોકો ખરીદવા જાય તો તેમને ખૂબ મોટી રકમની ચુકવણી કરવી પડે છે. ત્યારે સુરતના એક જ્વેલર્સ દ્વારા લોકોની આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવ્યું છે. લોકો માટે ખાસ વુડન ગોલ્ડ તેમજ સ્ટીલ ડાયમંડ જ્વેલરી તૈયાર કરવામાં આવી છે. આ જ્વેલરી હેવી લુક પણ આપે છે અને બજેટ ફ્રેન્ડલી પણ છે.
સુરતના જ્વેલર્સ દીપ ચોક્સી દ્વારા વુડન ગોલ્ડ જ્વેલરીનો કોન્સેપ્ટ લાવવામાં આવ્યો છે. આ વુડન ગોલ્ડ જ્વેલરીમાં જ્વેલરીનો બેઝ લાકડામાંથી તૈયાર કરવામાં આવે છે. તેને અલગ અલગ શેપ આપવામાં આવે છે. ત્યારબાદ આ લાકડાના બેઝ પર ગોલ્ડથી અલગ અલગ પેટર્ન તૈયાર કરવામાં આવે છે. ફ્લાવર, વેલ જેવી આકૃતિથી જ્વેલરીને આકર્ષક બનાવવામાં આવે છે. વુડન ગોલ્ડ જ્વેલરીમાં લાકડાનો બેઝ હોવાના કારણે તેનો લુક પણ આકર્ષક આવે છે. સોનાનો ઉપયોગ ઓછો થતો હોવાના કારણે તે લોકોને બજેટ ફ્રેન્ડલી પણ હોય છે. એટલે જે લોકોને ઓછા બજેટમાં હેવી લુક ધરાવતી ગોલ્ડન જ્વેલરી પસંદ હોય તેમના માટે વુડન ગોલ્ડ જ્વેલરી એક ઓપ્શન બની રહેશે.
તો બીજી તરફ પુરુષો ખાસ કરીને પ્લેટિનિયમ જ્વેલરી પહેરવાનું વધારે પસંદ કરતા હોય છે, પરંતુ પ્લેટિનિયમ સોના કરતાં પણ મોંઘી ધાતુ હોવાના કારણે ઘણા પુરુષો આ ખરીદી શકતા નથી. ત્યારે પ્લેટિનિયમના ઓપ્શનમાં દીપ ચોકસી દ્વારા સ્ટીલ લેબગ્રોન ડાયમંડની જ્વેલરી તૈયાર કરવામાં આવી છે. તેમાં સ્ટીલને પોલીસડ કરીને પ્લેટિનમ લુક આપવામાં આવે છે. ત્યારબાદ તેમાં લેબગ્રોન ડાયમંડ અલગ અલગ પેટર્નમાં મૂકવામાં આવે છે. આમ આ સ્ટીલથી તૈયાર થતી જ્વેલરી લોકોને બજેટ ફ્રેન્ડલી પણ હોય છે અને આકર્ષક લુક પણ આપે છે. ત્યારે સોનામાં જે પ્રકારે ભાવ વધતો જણાઈ રહ્યો છે તેના ઓપ્શનરૂપે સુરતના આ જ્વેલર્સ દ્વારા સ્ટેનલેસ સ્ટીલ તેમજ વુડન ગોલ્ડ જ્વેલરી તૈયાર કરવામાં આવી છે.