January 16, 2025

VNSGUના પૂર્વ સેનેટ સભ્યનો રાજ્યપાલને પત્ર – વિદ્યાર્થીઓને માત્ર પરીક્ષા અપાવીને કૌભાંડ આચર્યું

અમિત રુપાપરા, સુરતઃ શહેરમાં ચાલતા બોગસ સ્ટડી સેન્ટરો બંધ કરાવવા બાબતે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય ભાવેશ રબારી દ્વારા રાજ્યપાલને ફરિયાદ કરવામાં આવી છે. સુરતના વરાછા, યોગીચોક, ઉતરાણ, સરથાણા, કતારગામ અને અડાજણ વિસ્તારમાં અનેક સ્ટડી સેન્ટરો દ્વારા વિદ્યાર્થીઓને ગેરમાર્ગે દોરીને ઉપરાંત અન્ય પ્રાઇવેટ યુનિવર્સિટીમાં માત્ર પરીક્ષા આપવા વિદ્યાર્થીને મોકલીને એક મોટું કૌભાંડ આચરવામાં આવતું હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે આવા બોગસ સેન્ટરો પર કાર્યવાહી કરવામાં આવે અને આ તમામ સેન્ટરો બંધ કરાવવામાં આવે તેવી માગણી પત્ર લખીને ભાવેશ રબારીએ કરી છે.

સુરત શહેરમાં અલગ અલગ વિસ્તારમાં અનેક બોગસ સ્ટડી સેન્ટરો ચાલતા હોવા બાબતે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ સેનેટ સભ્ય ભાવેશ રબારી દ્વારા રાજ્યપાલને પત્ર લખવામાં આવ્યો છે. પત્ર લખીને આવા બોગસ સ્ટડી સેન્ટર ઉપર કાર્યવાહીની માગણી કરવામાં આવી છે. ભાવેશ રબારી દ્વારા પત્ર લખવામાં આવ્યો છે. તેમાં જણાવ્યું છે કે, ‘સુરત શહેરમાં BCA, BBA, MBA, BSC IT અને ડિપ્લોમા એન્જિનિયરિંગ જેવા વર્ષમાં ઘણા વિદ્યાર્થીઓ એડમિશનથી વંચિત છે. આવા વિદ્યાર્થીઓની મજબૂરીનો લાભ ઉઠાવીને બોગસ સ્ટડી સેન્ટરો શિક્ષણનો ખુલ્લેઆમ વેપાર કરે છે. સુરતના વરાછા, યોગીચોક, ઉતરાણ, સરથાણા, કતારગામ અને અડાજણ વિસ્તારમાં આવા સેન્ટરો ચાલી રહ્યા છે. ખુલ્લેઆમ મોટી મોટી જાહેરાતો અને હોલ્ડિંગ્સ લગાવીને શિક્ષણમાં વેપાર સુરતમાં ચાલી રહ્યો છે.’

આ ઉપરાંત તેમને વધુમાં જણાવ્યું છે કે, સુરતના યોગીચોક વિસ્તારમાં ક્રિએટિવ ડિઝાઇન એન્ડ મલ્ટિમીડિયા ઇન્સ્ટિટ્યૂટ નામના સ્ટડી સેન્ટર દ્વારા 7 જુલાઈ 2024ના રોજ રાત્રે 11 વાગ્યે શિવાય ટ્રાવેલ્સની 2 બસમાં 100 જેટલા વિદ્યાર્થીઓને સ્વર્ણિમ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન યુનિવર્સિટી ગાંધીનગર લઈ જવામાં આવ્યા છે અને તેમની પરીક્ષા પણ લેવામાં આવશે.’

ભાવેશ રબારીએ રાજ્યપાલને લખેલા પત્રમાં વધુમાં જણાવ્યું છે કે, ‘સુરત શહેરમાં અનેક સ્ટડી સેન્ટરો પ્રાઇવેટ યુનિવર્સિટીના નામે ચાલી રહ્યા છે. કોલેજ ન હોવા છતાં પણ પ્રાઇવેટ યુનિવર્સિટીમાં માત્ર પરીક્ષા આપવા વિદ્યાર્થીને મોકલીને એક મોટું કૌભાંડ રાજ્ય કક્ષાના શિક્ષણ મંત્રીના વિસ્તારમાં જ ધમધમી રહ્યું છે. સુરતમાં ચાલતા બોગસ સ્ટડી સેન્ટરો બંધ કરાવી તેમની સામે પોલીસ ફરિયાદ કરવાની જવાબદારી વીર નર્મદ દક્ષિણ ગુજરાતની હોવા છતાં પણ માત્ર તપાસ કમિટી બનાવીને જ્યાં સુધી આ તમામ વિદ્યાર્થીઓ આવા બોગસ સ્ટડી સેન્ટરોમાં પ્રવેશ નહીં મેળવી લે ત્યાં સુધી કોઈ કાર્યવાહી યુનિવર્સિટીની તપાસ કમિટી દ્વારા કરવામાં આવતી નથી.’

ભાવેશ રબારીએ એવો પણ આક્ષેપ કર્યો છે કે, ‘આવા સ્ટડી સેન્ટરોમાં બોગસ ડિગ્રી બનાવી આપવાના બનાવ પણ અનેક વખત સામે આવે છે. પરંતુ યુનિવર્સિટી દ્વારા એક પણ વખત પોલીસ ફરિયાદ કરવામાં આવતી નથી. આવા બોગસ સ્ટડી સેન્ટરોમાં ભણતા વિદ્યાર્થી અન્ય દેશ જાય કે નોકરી મેળવે તો પાછળથી વિદ્યાર્થી અને તેના વાલીઓને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. અગાઉ આ બાબતે યુનિવર્સિટીમાં 11 જુલાઈ 2023ના રોજ લેખિત ફરિયાદ કરવામાં આવી હતી. પરંતુ યુનિવર્સિટીએ તપાસ કમિટી બનાવીને કોઈ કાર્યવાહી કરી નથી. ત્યારે વધારે વિદ્યાર્થીઓ આવા બોગસ સ્ટડી સેન્ટરનો ભોગ ન બને એટલા માટે તાત્કાલિક અસરથી દાખલા રૂપ કાર્યવાહી કરવામાં આવે.’