VNSGUમાં 130 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ગેરરીતિ કરતા ઝડપાયાં, કુલપતિની કડક કાર્યવાહી
અમિત રુપાપરા, સુરતઃ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં હાલ પરીક્ષા ચાલી રહી છે. જેમાં 130 વિદ્યાર્થીઓ પરીક્ષામાં ગેરરીતિ કરતા ઝડપાયા છે. તેમાંથી 98% વિદ્યાર્થી સાથે કાપલી લાવતા ઝડપાયા છે. આ તમામને 500નો દંડ કર્યો છે. તો એક વિદ્યાર્થી દ્વારા પરીક્ષામાં પાસ થવા માટે ઉત્તરવહીમાં 500 રૂપિયા મૂકવામાં આવ્યા હતા અને આ વાતને ગંભીરતાથી લઈને વિદ્યાર્થીને 2500ની પેનલ્ટી કરી 6 મહિના સુધી કોઈ પણ પરીક્ષા ન આપવા દેવા સુધીની કાર્યવાહી VNSGU દ્વારા કરવામાં આવી છે. તો અન્ય એક વિદ્યાર્થી ચપ્પલના સોલમાં ખાનું બનાવીને કાપલી લાવ્યો હતો પરંતુ તે હિયરિંગમાં ગેરહાજર રહેતા તેની સામે પણ આ જ પ્રકારની કાર્યવાહીની શક્યતા કુલપતિએ વ્યક્ત કરી છે.
સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા એક નિર્ણય કરવામાં આવ્યો હતો કે, પરીક્ષા દરમિયાન વિદ્યાર્થી પાસ થવા માટે ઉત્તરવહીમાં પૈસા મૂકશે તો આ વિદ્યાર્થીને 2500ની પેનલ્ટી કરવામાં આવશે. આ સાથે જ વિદ્યાર્થી 6 મહિના સુધી કોઈ પણ પૂરક કે ઓન ડિમાન્ડ પરીક્ષા આપી શકશે નહીં. ત્યારે આ નિર્ણયને લઈને પહેલો કેસ સામે આવ્યો છે.
આ પણ વાંચોઃ રાજ શેખાવતને અમદાવાદ એરપોર્ટ પર નજરકેદ કરવામાં આવ્યા
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષામાં ગેરરીતિ કરતા 130 વિદ્યાર્થીઓ ઝડપાયા હતા. તેમાંથી 98% વિદ્યાર્થી પોતાની સાથે માઈક્રો ઝેરોક્ષ અને કાપલીઓ સાથે પકડાયા હતા. આ તમામ વિદ્યાર્થીઓને યુનિવર્સિટીએ 500 રૂપિયાની પેનલ્ટી કરી છે. તો બીજી તરફ એક વિદ્યાર્થી કે જે પરીક્ષામાં ત્રણ વખત નાપાસ થયો હતો અને ચોથી વખત પરીક્ષા આપતો હતો અને પાસ થવા માટે તેને ઉત્તરવહીમાં 500 રૂપિયાની ચલણી નોટ મૂકી હતી અને પોતાને પાસ કરવા માટેનું લખાણ લખ્યું હતું. આ વાતને ગંભીરતાથી લઈને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા આ વિદ્યાર્થી સામે કાર્યવાહી કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકિટ રદ કરવા અડગ; જાણો A to Z માહિતી
વિદ્યાર્થીને 2500ની પેનલ્ટી કરવામાં આવી છે અને 6 મહિના સુધી આ વિદ્યાર્થી કોઈ પણ પ્રકારની પૂરક કે ડિમાન્ડ પરીક્ષા આપી શકશે નહીં. તો બીજી તરફ BSC કેમેસ્ટ્રીના થર્ડ સેમેસ્ટરની એટીકેટીની પરીક્ષા આપતો એક વિદ્યાર્થી ચપ્પલના સોલમાં એક ખાનું બનાવી તેની અંદર કાપલી લાવ્યો હતો. આ વિદ્યાર્થીને સ્ક્વોડે પકડી પાડ્યો હતો અને ગેરરીતિનો કેસ બનાવી યુનિવર્સિટીમાં મોકલ્યો હતો. પરંતુ આ વિદ્યાર્થી હિયરિંગમાં ગેરહાજર રહ્યો ન હતો. જેથી તેની સામે પણ 2500ના દંડ અને છ મહિના સુધી પરીક્ષા ન આપી શકવાની કાર્યવાહી થશે તેવું કુલપતિએ જણાવ્યું હતું.
આ પણ વાંચોઃ 2 હજાર ક્ષત્રાણીઓનો PM મોદીને પત્ર, લખ્યું – રૂપાલાની ટિકિટ રદ કરો
આ ઉપરાંત વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર કિશોરસિંહ ચાવડાએ જણાવ્યુ હતુ કે, વર્તમાન સમયમાં મોટાભાગના વિદ્યાર્થીઓને લખવાની ટેવ છૂટી ગઈ છે અને તેના જ કારણે આ વિદ્યાર્થીઓ યેનકેન પ્રકારે ચોરી કરવાના પ્રયાસો કરતા હોય છે એટલે વિદ્યાર્થીઓએ લખવાની ટેવ અપનાવી પડશે અને જો વિદ્યાર્થી આવું નહીં કરે તો જે 500 રૂપિયાની પેનલ્ટી કરવામાં આવે છે તેમાં પણ વધારો કરવામાં આવશે.