નાના ભાઈને પત્ની સાથે ઝગડો થતા એસિડ ગટગટાવ્યું, મોટાભાઈએ પણ આઘાતમાં આપઘાત કર્યો
અમિત રુપાપરા, સુરતઃ શહેરના લિંબાયત વિસ્તારમાં એક અજીબ ઘટના સામે આવી છે. પતિ-પત્નીના ઝઘડા બાદ પત્નીએ પોલીસમાં ફોન કર્યો હતો અને પોલીસ જ્યારે ઘરે પહોંચી ત્યારે યુવકે પોલીસના ડરના કારણે ઘરમાં રહેલું એસિડ પી લીધું હતું. ત્યારબાદ યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, પરંતુ ડોક્ટરે યુવકને મૃત જાહેર કર્યો હતો. આ ઘટના બાદ યુવકના મોટાભાઈને જાણ થતા મોટાભાઈને પણ આઘાત લાગ્યો હતો અને મોટાભાઈએ પણ એસિડ પીને આપઘાત કરી લીધો હતો. હાલ તો આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા નીલગીરી વિસ્તારમાં જવાહર નગરમાં જીતેન્દ્ર નાયકા તેના પરિવાર સાથે રહે છે અને સરદાર માર્કેટમાં મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. જીતેન્દ્ર અને તેની પત્ની વચ્ચે નાની નાની વાતોને લઈને ઝઘડા તો ચાલ્યા જ કરતા હતા. ઘટનાના દિવસે પણ જીતેન્દ્ર અને તેની પત્ની વચ્ચે ઝઘડો થયો હતો અને જીતેન્દ્રએ તેની પત્નીને આવેશમાં આવીને માર મારી દીધો હતો. ત્યારબાદ જીતેન્દ્રની પત્ની દ્વારા પોલીસ કંટ્રોલમાં ફોન કરવામાં આવ્યો હતો અને પોલીસ જીતેન્દ્રના ઘરે પહોંચી હતી. ત્યારે પોલીસ તેને પકડી જશે તેવા ડરના કારણે જીતેન્દ્રએ ઘરમાં રહેલી એસિડની બોટલ લઈને ઘરની બહાર નીકળી ગયો હતો અને ઘર નજીક આવેલા સાઇબાબાના મંદિર પાસે તેને આ એસિડની બોટલ ગટગટાવી લીધી હતી.
આ પણ વાંચોઃ કલ્યાણપુરના સૂર્યાવદર પાસેનો સાની ડેમ ઝડપથી બનાવવા માગ, 110 ગામને ફાયદો
જીતેન્દ્રએ એસિડની બોટલ ગટગટાવી લીધી હોવાને લઈને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે, હોસ્પિટલમાં ફરજ પર હાજર ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. તો બીજી તરફ, નાના ભાઈના મોતની જાણ મોટાભાઈ બીપીન નાયકાને થઈ હોવાના કારણે નાના ભાઈના મોતના આઘાતમાં મોટાભાઈએ પણ એસિડ પી લીધું હતું અને ત્યારબાદ મોટાભાઈ બીપીનને પણ સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમને પણ ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા.