November 23, 2024

ટેક્સટાઇલના વેપારીએ તૈયાર કર્યો ખાસ ખેસ, અલગ-અલગ સ્લોગન સાથે BJP પ્રચાર

surat textile merchant designed special khesh promoted with different slogans of bjp

સુરતના વેપારીએ આવા ખેસ તૈયાર કર્યા છે.

અમિત રુપાપરા, સુરતઃ આ શહેરને ટેક્સટાઇલ સિટીના નામથી ઓળખવામાં આવે છે. ત્યારે આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને સુરતના ટેક્સટાઇલ માર્કેટના કેટલાક વેપારીઓ સ્વયંભૂ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પ્રચાર કરી રહ્યા છે. મહત્વની વાત છે કે, સુરતના ટેક્સટાઇલ માર્કેટના વેપારી સમગ્ર દેશમાં અલગ અલગ રાજ્યમાં માલ મોકલી રહ્યા છે. વેપારીઓ આ નેટવર્કનો લાભ લઈને સમગ્ર દેશમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પ્રચાર કરી રહ્યા છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકસભાની ચૂંટણીમાં 400 કરતાં વધારે બેઠક હાંસલ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે. આ લક્ષ્યાંકને પૂરો કરવામાં સુરતના ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ ભારતીય જનતા પાર્ટીને મદદરૂપ થઈ રહ્યા છે. સુરતના એક વેપારી દ્વારા સાડીની સાથે ઓર્ડર આપનારને એક ખેસ ફ્રીમાં આપવામાં આવે છે.

આ પણ વાંચોઃ બોર્ડ પરીક્ષાની મૂલ્યાંકન કામગીરીમાં 300થી વધુ શિક્ષકો ગેરહાજર, DEOએ નોટિસ ફટકારી

સુરતની ટેક્સટાઇલ માર્કેટના વેપારી લલિત શર્મા દ્વારા એક ખાસ ખેસ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફેસની પ્રતિકૃતિ સાથે અલગ અલગ સ્લોગન લખવામાં આવ્યા છે. ‘મેં હૂં મોદી કા પરિવાર’ અને ‘અબ કી બાર 400 કે પાર’ જેવાં સ્લોગન આ ખેસમાં જરીના તારથી લખવામાં આવ્યા છે. લલિત શર્મા દ્વારા જે પણ વેપારી અલગ અલગ રાજ્યમાંથી તેમને સાડીના ઓર્ડર આપશે તે દરેક સાડીની સાથે એક ખેસ બોક્સમાં પેકિંગ કરીને વેપારીને માલ મોકલવામાં આવશે. જેથી કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જે 400 કરતાં વધારે બેઠક હાંસલ કરવાનો લક્ષ્યાંક છે તેનો પ્રચાર વધુમાં વધુ થઈ શકે.

આ પણ વાંચોઃ સુરતમાં ઠેર-ઠેર યોજાશે વૈદિક હોળી, જાણો તેના ફાયદા

મહત્વની વાત છે કે, સુરત ટેક્સટાઇલ માર્કેટનું હબ ગણવામાં આવે છે અને તેના જ કારણે દેશના અલગ અલગ રાજ્ય જેવા કે, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, તેલંગાણા, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, ઓરિસ્સા સહિતના રાજ્યના વેપારીઓ સુરતના ટેક્સટાઇલ માર્કેટના વેપારીઓ પાસેથી કપડાંની ખરીદી કરતા હોય છે. હવે જ્યારે અલગ અલગ રાજ્યના વેપારીઓનો ઓર્ડર સુરતના આ વેપારીઓને મળશે અને તેની સાથે આ જ પ્રકારે વેપારીઓ ચૂંટણી સામગ્રી અન્ય રાજ્યમાં માલની સાથે ફ્રીમાં મોકલશે તો તેનો ફાયદો રાજકીય પક્ષોને થશે.

મહત્વની વાત છે કે, સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં 70,000 કરતાં વધારે વેપારીઓ છે અને તેમાંથી કેટલાક વેપારીઓ છે, તે ચૂંટણી સમયે પોતાની સસ્તી પ્રસિદ્ધિ મેળવવા માટે આ જ પ્રકારે અલગ અલગ રીતે પ્રચારમાં રાજકીય પક્ષોને મદદ કરતા હોય છે. જેને લઈ વેપારીની પ્રસિદ્ધિની સાથે સાથે રાજકીય પક્ષને પણ તેનો લાભ મળે. આ જ રીતે અલગ અલગ વેપારીઓ દ્વારા ચૂંટણી પ્રચારના મટિરીયલ તૈયાર કરવામાં આવશે અને રાજકીય પક્ષોનો પ્રચાર પણ કરવામાં આવશે.