સુરતમાં સાડીના કારખાનાઓમાં બાળમજૂરી, 17 કલાક કરાવતા હતા કામ; એકની ધરપકડ

અમિત રુપાપરા, સુરતઃ શહેરને ટેક્સટાઇલ સિટી કહેવામાં આવે છે અને આ ટેક્સટાઇલ સિટીમાં અલગ અલગ જગ્યા પર નાના નાના સાડીના કારખાનાઓ ચલાવવામાં આવી રહ્યા છે. ત્યારે સાડીના કારખાનાઓમાં 7 વર્ષથી 17 વર્ષ સુધીના 5 બાળકોને બાળમજૂરી કરાવવામાં આવતી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. રાજસ્થાન ઉદયપુર જિલ્લાના અંતરિયાળ ગામડાઓમાંથી સુરતમાં બાળકોને લાવી મજૂરી કરાવવામાં આવતી હોવાનો મામલો ગોડાદરા પોલીસ સ્ટેશન પહોંચતા આખું રેકેટ સામે આવ્યું હતું. 2 બાળકોએ પોલીસ સ્ટેશનને પહોંચી સમગ્ર મામલે વિગત પોલીસને જણાવતા પુણા પોલીસે કારખાનેદાર પ્રકાશ ભુરીયા સામે ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી.
સુરતના ગોડાદરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં બે બાળકો રસ્તા પર ફરી રહ્યા હોવાના કારણે એક જાગૃત નાગરિક દ્વારા આ બંને બાળકોને પોલીસ સ્ટેશન સુધી પહોંચાડવામાં આવ્યા હતા. ગોડાદરા પોલીસ દ્વારા બાળકની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે, બંને બાળકોની ઉંમર સાત વર્ષની છે અને બંને બાળકો ખૂબ જ ગભરાયેલા હતા. આ બાળકોને સાંત્વના આપી પોલીસે તેની પૂછપરત કરતા સામે આવ્યું હતું કે, બંને બાળકો રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના અંતરિયાળ ગામના વતની છે અને ગામડેથી તેમને સુરતમાં લાવવામાં આવ્યા હતા. સુરતમાં પુણા વિસ્તારમાં ચાલતા એક સાડીના કારખાનામાં બાળકોને ગોંધી રાખી કામ કરાવવામાં આવતું હતું. બાળકોએ ચોંકાવનારી હકીકત ગોડાદરા પોલીસને જણાવી કે, 17 કલાક સુધી મજૂરી કામ તેમની પાસેથી કરાવવામાં આવતું હતું.
આ સમગ્ર મામલે ગોડાદરા, પુણા તેમજ વરાછા પોલીસ દ્વારા બાળકોની સાથે પાંચથી છ કિલોમીટર સુધી ચાલી બાળકો કઈ જગ્યા પર કામ કરતા હતા તે જગ્યા તપાસવામાં આવી. તો બીજી તરફ આ સમગ્ર મામલે મહિલા સેલના એસીપી મીની જોસેફ દ્વારા પણ બાળકોનું કાઉન્સિલિંગ કરાયું અને બાળકો પાસેથી વધુ વિગત જાણવાનો પ્રયાસ કરાયો હતો. ત્યારબાદ બાળકોએ જે જગ્યા પર સાડીના કારખાનામાં તેઓ કામ કરતા હતા તે જગ્યા બતાવી અને કહ્યું કે બીજા ત્રણ બાળકો પણ આ કારખાનામાં કામ કરે છે.
બાળમજૂરી કરતા બાળકોને મુક્ત કરાવવા માટે પોલીસ દ્વારા મહિલા PSIની આગેવાનીમાં વરાછા, પુણા અને ગોડાદરા પોલીસ સ્ટેશનના મહિલા પોલીસ કર્મચારી દ્વારા ત્રણ ટીમો તૈયાર કરવામાં આવી હતી. બે દિવસ બાળકોને લઈ પગપાળા અલગ અલગ જગ્યા પર તપાસ કરવામાં આવી હતી. બાળકોએ અંતે પુણાગામ સીતાનગર સોસાયટીની પાછળ બીલનાથ સોસાયટીમાં ચાલતા સાડીના કારખાના સુધી પોલીસની ટીમ પહોંચી હતી. જ્યાં તપાસ કરતા પોલીસ પણ ચોંકી ગઈ હતી. કારણ કે સાડીના કારખાનામાં બે 17 વર્ષના કિશોર અને એક 7 વર્ષના બાળક પાસે કામ કરાવવામાં આવતું હતું.
પોલીસે સાડીનું કારખાનું ચલાવતા પ્રકાશ ભુરીયાની ધરપકડ કરી તેની પૂછપરછ કરતાં સામે આવ્યું હતું કે, તે છોટાઉદેપુર જિલ્લાના ગૌરાણા ગાણ ગામનો વતની છે. આ ઈસમ કારખાનામાં સગીર વયના બાળકો પાસે મજૂરી કરાવતો હતો. આ સાડીના કારખાનામાં કામ કરતા પાસે બાળકોને સવારે 5 વાગે ઉઠાડી દેતો હતો. જો બાળક કામ કરવાની ના પાડે અથવા તો આળસ બતાવે તો તેને માર પણ મારતો હતો. સવારે 5 વાગ્યે ઉઠાડ્યા બાદ રાત્રે 10 વાગ્યા સુધી કામ કરાવવામાં આવતું હતું અને એક બાળકને મહેનતાણા પેટે 200 આપવામાં આવતા હતા.
બપોરે માત્ર 1 કલાકની રિસેસ બાળકોને આપવામાં આવતી હતી અને આ સમગ્ર મામલે વરાછા પોલીસ સ્ટેશનના મહિલા PSI એફએસ ચૌધરી ફરિયાદી બન્યા હતા. તેમને પુણા પોલીસ સ્ટેશનમાં બાબતે ફરિયાદ નોંધાવતા પુણા પોલીસે સમગ્ર મામલે ગુનો દાખલ કરી પ્રકાશ ભુરીયાની ધરપકડ કરી છે. પોલીસે બાળમજૂરી કરતા આ બાળકોને ચાઈલ્ડ વેરફેર સેન્ટરમાં મોકલવામાં આવતા છે.