સુરતથી ભાગેલા શિક્ષક-વિદ્યાર્થી શામળાજી બોર્ડર પાસેથી ઝડપાયાં, શિક્ષિકાની ધરપકડ

અમિત રુપાપરા, સુરતઃ શહેરના પુણાગામ વિસ્તારમાં 23 વર્ષીય શિક્ષિકા 11 વર્ષના વિદ્યાર્થીનું અપહરણ કરી ભાગી ગઈ હોવાની ઘટના સામે આવી હતી. આ ઘટના બાદ પુણા પોલીસ હરકતમાં આવી હતી અને પોલીસે તપાસ બાદ શિક્ષિકા અને વિદ્યાર્થીને શામળાજી બોર્ડર પાસેથી શોધી કાઢ્યા હતા. પોલીસે વિદ્યાર્થીને હેમખેમ પરિવારને સોંપી શિક્ષિકાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાની તપાસ દરમિયાન પોલીસની મોટી ચૂક સામે આવી હતી અને અગત્યનો પુરાવો પોલીસ કર્મચારીઓ દ્વારા જ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરને આપી સોશિયલ મીડિયામાં વાયરલ કરાવવામાં આવ્યો હતો. આ બાબતે પુણા પોલીસ ઇન્સ્પેક્ટરે તપાસના આદેશ આપ્યા છે.
સુરતના પુણા પોલીસ સ્ટેશનમાં 11 વર્ષના બાળકનું અપહરણ તેને અભ્યાસ કરાવતી 23 વર્ષીય શિક્ષિકા દ્વારા કરવામાં આવ્યું હોવાની ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદ બાદ પુણા પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી અને 11 વર્ષીય વિદ્યાર્થીને લઈને ભાગી ગયેલી શિક્ષિકા માનસી નાઈની શોધખોળ કરવામાં આવી હતી.
આ ઘટનાની તપાસ દરમિયાન પોલીસના હાથે એક સીસીટીવી પણ લાગ્યા હતા. જેમાં વિદ્યાર્થી શિક્ષિકા માનસી સાથે જતો હોવાનું દેખાઈ રહ્યું હતું. આ ઉપરાંત શિક્ષિકા દ્વારા એક દુકાન પરથી કોઈ વસ્તુ ખરીદી તેનુ રોકડમાં પેમેન્ટ કર્યું હોવાના ફૂટેજ પણ પોલીસને મળ્યા હતા.
પોલીસ દ્વારા શિક્ષિકાને પકડવા માટે અલગ અલગ ટીમો તૈયાર કરવામાં આવી હતી. ત્યારે પોલીસને એવી માહિતી મળી હતી કે, શિક્ષિકા માનસી વિદ્યાર્થી સાથે રાજસ્થાનથી ગુજરાત પરત આવી રહી છે. ત્યારે આ બાતમીના આધારે પોલીસે શામળાજી બોર્ડર પાસેથી શિક્ષિકા માનસીને ઝડપી પાડી હતી અને માનસી સાથે વિદ્યાર્થી પણ પોલીસને મળી આવ્યો હતો.
પુણા પોલીસની ટીમ દ્વારા શિક્ષિકા અને વિદ્યાર્થીને સુરત લાવવામાં આવ્યા હતા અને ત્યારબાદ વિદ્યાર્થીને પરિવારને સોંપવામાં આવ્યો હતો. વિદ્યાર્થી સુરક્ષિત મળતા પરિવારે પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. તો બીજી તરફ પુણા પોલીસ દ્વારા શિક્ષિકા માનસી નાઇની પૂછપરછ કરવામાં આવી હતી અને પૂછપરછમાં સામે આવ્યું હતું કે, આ શિક્ષિકા અનુરાગ હિન્દી વિદ્યાલયમાં બાળકોને અભ્યાસ કરાવતી હતી અને વિદ્યાર્થી પણ આ જ શાળામાં શિક્ષિકા પાસે અભ્યાસ કરતો હતો. શિક્ષિકા પાસે ટ્યુશન લેવા માટે જતો હતો. છેલ્લા ઘણા સમયથી શિક્ષિકા પાસે વિદ્યાર્થી અભ્યાસ કરતો હોવાને લઈ બંને વચ્ચે પ્રેમસંબંધની પણ ચર્ચાઓ હાલ ચાલી રહી છે, પરંતુ આ બાબતે પોલીસ તપાસમાં કોઈ વિગતો સામે આવી નથી.
શિક્ષિકા માનસી નાઇની પૂછપરછમાં ખુલાસો થયો હતો કે, તે વિદ્યાર્થીને લઈને પહેલા સુરતમાં અલગ અલગ વિસ્તારમાં ફરી હતી. ત્યારબાદ બંને અમદાવાદ ગયા હતા. જ્યાં અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં ફર્યા હતા અને બંને દિલ્હી ફરવા ગયા હતા. દિલ્હીથી વૃંદાવન અને ત્યારબાદ જયપુરના અલગ અલગ વિસ્તારમાં ફરવા ગયા હતા અને જયપુરથી તેઓ ગુજરાત તરફ પરત આવતા હતા. તે સમયે પોલીસે શિક્ષિકાને વિદ્યાર્થી સાથે ઝડપી પાડી.
શિક્ષિકાની પૂછપરછ દરમિયાન સામે આવ્યું હતું કે, પરિવાર તેને ઘરકામ બાબતે અવારનવાર ઠપકો આપતો હતો. તો બીજી તરફ વિદ્યાર્થી દ્વારા પણ પોલીસને જણાવવામાં આવ્યું હતું કે, પરિવાર દ્વારા તેને પણ ભણવા બાબતે અવારનવાર ઠપકો આપવામાં આવતો હતો. શિક્ષિકા તેમજ વિદ્યાર્થી બંને પરિવારના ઠપકાઓથી પરેશાન થઈ ગયા હોવાના કારણે બંને ફરવા ચાલ્યા ગયા હતા. પરંતુ હાલ બંને વચ્ચે પ્રેમસંબંધ છે કે પછી અન્ય કોઈ કારણોસર બંને સુરતથી અન્ય જગ્યાઓ પર ચાલ્યા ગયા હતા તે બાબત પર પોલીસ તપાસ કરી રહી છે.
તો બીજી તરફ આ ઘટનામાં પુણા પોલીસની તપાસ દરમિયાન ગંભીર બેદરકારી પણ સામે આવી હતી. ઘટનામાં અગત્યના ગણાતા શિક્ષિકાના સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરને પોલીસ દ્વારા જ આપીને સોશિયલ મીડિયા પર આ સીસીટીવી વાયરલ કરાવવામાં આવ્યા હતા. તો બીજી તરફ આ સમગ્ર ઘટનામાં પોલીસ ઉચ્ચ અધિકારીઓની જાણ બહાર જ કોઈ પોલીસ કર્મચારી દ્વારા સીસીટીવી ફૂટેજ સોશિયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યા હતા. તે બાબતને લઈને પુણા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર દ્વારા તપાસના આદેશો પણ આપવામાં આવ્યા છે. હવે આ સમગ્ર મામલે જોવાનું એ રહે છે કે, પોલીસ વિભાગમાં જ રહી અતિસંવેદનશીલ માહિતીઓ ત્રીજા પક્ષ સુધી પહોંચાડનારા પોલીસ વર્દીમાં રહેલા ખાનગી વ્યક્તિના જાસુસને પોલીસ શોધી શકશે કે નહીં?