July 2, 2024

તરસાડીમાં સફાઈ કામદારોનો હલ્લાબોલ, મહિલાઓએ બંગડી ફેંકી ‘હાય હાય’નાં નારા લગાવ્યાં

કિરણસિંહ ગોહિલ, સુરતઃ ફરી એકવાર જિલ્લાની તરસાડી નગરપાલિકા વિવાદમાં આવી છે. આ વખતે તરસાડી નગરપાલિકાના સફાઈ કામદારો કાયમી કરવાની માગ સાથે તરસાડી પાલિકા બહાર ધરણાં પર બેઠા છે. તરસાડી પાલિકાના ચીફ ઓફિસર બહાર આવતા હાય હાયના નારા લગાવી મહિલાઓએ બગડી ફેંકી હતી. જો કે, સફાઈ કર્મચારીના સમર્થનમાં ગુજરતા વાલ્મિકી સમાજના પ્રમુખ જીતુ બારિયા પણ જોડાયા હતા. સફાઈ કામદારોનું આંદોલન ઉગ્ર બને એવા એંધાણ જોવા મળી રહ્યા છે. કોસંબા પોલીસનો પોલીસ કાફલો તરસાડી નગરપાલિકા બહાર ખડકી દેવામાં આવ્યો હતો.

તરસાડી નગરપાલિકા બહાર સૂત્રોચ્ચાર કરી રહેલા આ લોકો તરસાડી નગરપાલિકાના સફાઈ કામદારો છે. આશરે 100 જેટલાં સફાઈ કામદારો કાયમી કરવાની માગ સાથે એક સપ્તાહથી તરસાડી નગરપાલિકા બહાર ધરણાં કરી રહ્યા છે. સફાઈ કામદારો તરસાડી નગરપાલિકાના શાસકો પર ગંભીર આક્ષેપ પણ લગાવ્યા હતા અને કહ્યું હતું કે, 15થી 20 વર્ષથી સફાઈ કામદાર તરીકે કામ કરીએ છે, છતાં તરસાડી પાલિકા તેમને કાયમી કરતી નથી અને કામદારોનું શોષણ કરે છે.

એક સપ્તાહથી તરસાડી પાલિકાના સફાઈ કામદારો આંદોલન પર બેઠા છે, જેના કારણે તરસાડી નગરમાં ગંદકીના ઢગલા જોવા મળે છે. નગરના લોકો ગંદકીથી ત્રાહિમામ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. તરસાડી નગરપાલિકા બહાર પણ કચરો ભરેલા ટ્રેકટરોની લાઈન લાગી જતા નગરની જેમ તરસાડી પાલિકા બહાર ગંદકીના ઢગલા ખડકી દેવતા લોકો દુર્ગંધથી ત્રાહિમામ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.

હજી તો ગાંધીનગરના દ્રશ્ય લોકો ભૂલી શક્યા નથી. કાયમી શિક્ષકની માગ માટે ગાંધીનગર પહોંચેલા યુવાનોને ઘસડી ઘસડી મારવામાં આવ્યા હતા. ત્યારે હવે વિદ્યાર્થીઓ બાદ તરસાડી નગરપાલિકાના સફાઈ કામદારો નેશનલ હાઇવે ચક્કજામ કરવાની ચીમકી આપતા કોસંબા પોલીસ તરસાડી નગરપાલિકા બહાર ખડકી દેવામાં આવી હતી.