બે જુગારીઓએ પોલીસને જોઈ તાપીમાં છલાંગ લગાવી; પરિવારજનોનો આક્ષેપ- પોલીસે બચાવવા ન જવા દીધા

અમિત રુપાપરા, સુરતઃ શહેરના રાંદેર કોઝવે નજીક તાપી કાંઠા પાસે આવેલા ઝાડી-ઝાંખરામાં કેટલાક ઈસમો જુગાર રમતા હોવાની વાતની રાંદેર પોલીસને મળી હતી. પોલીસ દ્વારા ઘટનાસ્થળ પર તપાસ કરતા કેટલાક લોકો ઝાડી-ઝાંખરાની આડમાં જુગાર રમતા હોવાનું સામે આવ્યું હતું. ત્યારે પોલીસે જુગારીઓને પકડવાની કામગીરી હાથ ધરતા બે જુગારી તાપીમાં કૂદી ગયા હતા. તેમને તરતા ન આવડતું હોવાના કારણે બંનેના પાણીમાં ડૂબી જવાથી મોત થયા હતા. તો બીજી તરફ પોલીસ પર મૃતકના પરિવારજનો દ્વારા બેદરકારીથી મોત થયાનો આક્ષેપ લગાવવામાં આવ્યો છે.
સુરતના રાંદેર કોઝવે પાસે તાપી નદીના કિનારા પર કેટલાક ઈસમો ભેગા થઈને જુગાર રમતા હોવાની માહિતી રાંદેર પોલીસને મળી હતી. રાંદેર પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતા તાપી નદીના કિનારા પર જુગાર રમાતો હતો. પોલીસ ઘટનાસ્થળે પહોંચતાની સાથે જુગાર રમી રહેલા ઈસમો પોલીસને જોઈને ડરથી ભાગવા લાગ્યા હતા. તે સમયે ગુલામ નબી અને તેની સાથે રહેલા અમીન હોટેલવાલા નામનો વ્યક્તિ તાપી નદીમાં કૂદી ગયા હતા.
ત્યારબાદ આ જુગાર રમતા ઈસમો કે જે તાપી નદીમાં કૂદી ગયા હતા તેમને બચાવવા માટે રાંદેર પોલીસ દ્વારા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને ફાયરના જવાનો દ્વારા આ બંનેને તાપી નદીમાંથી બહાર કાઢી સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના ડોક્ટર દ્વારા બંનેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
બીજી તરફ મૃતકોના સ્વજનોએ આક્ષેપ કર્યા હતા કે, અમારી સામે અમારા પરિવારના સભ્યો પાણીમાં ડૂબી રહ્યા હતા પરંતુ અમને પોલીસ દ્વારા તેમને બચાવવા જવા દેવામાં આવ્યા નહીં અને ત્યારબાદ પોલીસ ઘટનાસ્થળ પરથી ભાગી ગઈ હતી. આ સમગ્ર ઘટનાના પગલે જવાબદાર પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી થવી જોઈએ.