September 19, 2024

સુરતને માથે વધુ એક યશકલગી, સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં પ્રથમ ક્રમાંકે

અમિત રુપાપરા, સુરતઃ શહેરની યશકલગીમાં વધુ એક મોરપીંછ ઉમેરાયું છે. સ્વચ્છ વાયુ સર્વેક્ષણ-2024માં સુરતે દેશભરમાં પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે. સુરત શહેરે વધુ એક આગવી સિદ્ધિ મેળવી છે. આ વર્ષે મોટી છલાંગ લગાવી 131 શહેરોને પાછળ છોડી કુલ 200 માર્ક્સમાંથી 194 માર્ક્સ મેળવી સર્વેક્ષણમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં દેશના 131 શહેરોએ ભાગ લીધો હતો. પ્રદૂષણને નાથવા સુરત મહાનગરપાલિકાના અનેકવિધ આઈકોનિક પ્રોજક્ટસની ફળશ્રુતિ છે.

દેશના સૌથી સ્વચ્છ શહેર તરીકે ગત વર્ષે પ્રથમ ક્રમ મેળવનાર સુરત શહેરે વધુ એક આગવી સિદ્ધિ મેળવી છે. સુરતે કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય આયોજિત ‘સ્વચ્છ વાયુ સર્વેક્ષણ-2024’માં દેશભરના 131 શહેરોને પાછળ છોડી પ્રથમ ક્રમ હાંસલ કરી શહેર અને રાજ્યનું ગૌરવ વધાર્યું છે. સુરત શહેર સૌથી ઝડપી વિકસિત થતા શહેર હોવા ઉપરાંત વર્ષ 2023–24માં PM10ના રજકણોમાં 12.71%નો નોંધપાત્ર ઘટાડો કરવામાં સફળ રહ્યું છે. ગત વર્ષ 2023માં યોજાયેલા ‘સ્વચ્છ વાયુ સુર્વેક્ષણ’માં સુરત શહેરને 13મો ક્રમાંક મળ્યો હતો. તેમાં ઇન્દોર પ્રથમ ક્રમે હતું. 2023માં સુરત મહાનગરપાલિકાએ ખૂટતી સુવિધાઓ, પગલાંઓ અને ત્રુટિઓનાં નિવારણ જેવી સઘન કામગીરી હાથ ધરીને આ વર્ષે મોટી છલાંગ લગાવી નિયત કુલ 200માંથી 194 ગુણ મેળવી સર્વેક્ષણમાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે.

સુરતની આ સિદ્ધિ બદલ આગામી 7 સપ્ટબરના રોજ જયપુરમાં નેશનલ મિશન ફોર ક્લિન એર કાર્યક્રમ અંતર્ગત યોજાનારા સભારંભમાં કેન્દ્રીય પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા ‘નેશનલ ક્લિન એર સિટી’ના બહુમાન સાથે 1.5 કરોડની ઈનામી રાશિ, ટ્રોફી અને પ્રમાણપત્ર સુરતના મેયર અને મ્યુનિસિપલ કમિશનરને અર્પણ કરશે. મેયર દક્ષેશ માવાણીએ પણ સુરત શહેરને શ્રેષ્ઠ બનાવવા સંકલ્પિત થઈ સૌ સુરતવાસીઓનો સાથ-સહકાર બદલ ખુબ આભાર વ્યક્ત કર્યો છે.

મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે સુરત શહેરને સ્વચ્છ વાયુ સર્વેક્ષણમાં નંબર 1 બનાવવા બદલ શહેરના નાગરિકોને અભિનંદન પાઠવ્યા છે અને આ સફળતામાં સાથ-સહકાર આપવા બદલ આભાર વ્યક્ત કર્યો છે. તેમજ આ સફળતાને સુરતના નાગરિકોની સફળતા હોવાનું જણાવ્યું છે.

શું છે સ્વચ્છ વાયુ સર્વેક્ષણ?
ભારતના શહેરોમાં હવાની ગુણવત્તામાં સુધારો કરવા માટે નોન–એટેન્મેન્ટ શહેરોના પ્રયાસોને મૂલ્યાંકન કરવા અને હવાના રજકણોમાં 30 % ઘટાડાના લક્ષ્યાંક સાથે કેન્દ્ર સરકારના પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય દ્વારા વર્ષ 2019માં ‘સ્વચ્છ વાયુ સર્વેક્ષણ’ની નવી પહેલ શરૂ કરવામાં આવી હતી. શહેરોનું મુલ્યાંકન મુખ્યત્વે 08 પરિબળોને આધારે થાય છે. જેમાં ઘનકચરાનું વ્યવસ્થાપન, રોડ ડસ્ટ, બાંધકામ અને ડિમોલીશન કચરામાંથી ઉત્પન્ન થતી ધૂળ, વાહનોનું ઉત્સર્જન, ઔદ્યોગિક ઉત્સર્જન, જનજાગૃતિના કાર્યક્રમો અને હવાની ગુણવત્તામાં સુધારો જેવા પરિમાણો સામેલ હોય છે.