ઉનાળાની શરૂઆતમાં ચામડીના રોગોનો વધારો, સિવિલમાં લાઇનો લાગી
અમિત રુપાપરા, સુરતઃ ઉનાળાની ઋતુ શરૂ થઈ ગઈ છે અને ઉનાળાની ઋતુમાં લોકોએ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સજાગ રહેવું જરૂરી છે. કારણ કે ગરમીના કારણે લોકો બીમાર થઈ શકે છે. ગરમીમાં સામાન્ય રીતે લૂ લાગવી શરીરમાં અશક્તિ આવવી જેવા સામાન્ય રોગો તો લોકોને ખબર હોય છે. પરંતુ ગરમીમાં થતા પરસેવાથી અને તાપના કારણે ચામડીના રોગમાં પણ વધારો થતો હોય છે.
સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ઉનાળાની શરૂઆત થતા ચામડીના રોગના દર્દીઓની સંખ્યા પણ વધી છે. વહેલી સવારથી જ ચામડીના રોગની સારવાર માટે લોકો હોસ્પિટલની બહાર લાઈનો લગાવીને ઉભા રહી જાય છે. સામાન્ય દિવસોમાં 350થી 400 દર્દીઓ નોંધાતા હોય છે પરંતુ હાલ 500થી 550 જેટલા દર્દીઓ પ્રતિદિન ચામડીની સારવાર કરાવવા માટે સિવિલ હોસ્પિટલમાં આવી રહ્યા છે.
આ પણ વાંચોઃ સોના-ચાંદીના ભાવમાં રેકોર્ડ બ્રેક વધારો, ભાવ ઓલટાઇમ હાઈ
ગરમીના કારણે શરીર પર લાલ ચાઠાં પડવા કે પછી પરસેવાના કારણે ફંગલ ઇન્ફેક્શનના કેસમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ડોક્ટરો દ્વારા પણ લોકોને સલાહ આપવામાં આવી છે કે, ગરમીમાં બને ત્યાં સુધી ફીટ કપડાં ન પહેરવા જોઈએ અને જો કોઈને ફંગલ ઇન્ફેક્શન થયું હોય તો તેમને પોતાના કપડાં, ન્હાવાનો ટુવાલથી લઈ પોતાની મોટાભાગની ચીજ વસ્તુ કે જે લોકોના સંપર્કમાં આવતી હોય છે તેને અલગ રાખવી જોઈએ. કારણ કે, ફંગલ ઇન્ફેક્શન એકબીજા વ્યક્તિના સંપર્કમાં આવવાથી પણ વધારે ફેલાય છે અને જો કોઈ વ્યક્તિને ફંગલ ઇન્ફેક્શન થયું હોય અને તે વ્યક્તિ તેની અવગણના કરે તો તે ધીમે ધીમે શરીરના અન્ય ભાગોમાં પણ ફેલાઈ શકે છે. તેનાથી બળતરા ખંજવાળ સહિતની મુશ્કેલીનો સામનો લોકોને કરવો પડે છે.
આ ઉપરાંત ઘણા દર્દીઓમાં શરીર પર લાલ ચાઠાં પડી જવા અને સામાન્ય ખંજવાળ આવતી હોવાની પણ ફરિયાદો ડોક્ટરને કરવામાં આવે છે. ત્યારે આવા દર્દીઓને ઉનાળામાં ઘર બહાર નીકળતા સમયે સૂતરાઉ કપડાં પહેરવા જોઈએ. સ્કિન સૂર્યપ્રકાશના સંપર્કમાં ન આવે તે પ્રકારે ઢાંકીને રાખવી જોઈએ. જેથી આ સામાન્ય ચામડીના રોગોથી બચી શકાય છે. આ ઉપરાંત ડોક્ટરે એવું પણ જણાવ્યું હતું કે, ઉનાળામાં શરીરને પાણીની ખૂબ જ વધારે જરૂરિયાત હોય છે. તેથી પૂરતું પાણી પીને જ ઘરની બહાર નીકળવું જોઈએ અને બને ત્યાં સુધી બપોરના તડકાના સંપર્કમાં ખૂબ ઓછું આવવું જોઈએ. જો કોઈ ચામડીના રોગો અથવા તો તેના લક્ષણો જણાય તો મેડિકલેથી દવા લેવાના બદલે ડોક્ટરની સલાહ લઈને દવા લેવી જોઈએ. કારણ કે, ઘણી વખત ચામડીના રોગ માટે જે ક્રીમ લોકો ઉપયોગ કરતા હોય છે તેમાં અન્ય કેમિકલનું પણ મિશ્રણ હોય છે અને તે જાણ બહાર જો વાપરવામાં આવે અને સ્કીનને માફક ન હોય તો તેની આડઅસર પણ દેખાતી હોય છે.