October 5, 2024

Surat Building Collapsed: સુરતમાં 6 માળની બિલ્ડિંગ ધરાશાયી, સાત લોકોના મોત

સુરત: સુરતમાં સચિન વિસ્તારના પાલી ગામમાં ગઈકાલે સાંજે 6 માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી. હાલ મળતી માહિતી પ્રમાણે, આ દુર્ઘટનામાં 7 લોકોના મોત થયા છે. આ દુર્ઘટનાની જાણ થતાં જ ફાયર અને પોલીસ વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું.

સુરતના પાલી ગામમાં મકાન ધરાસાઈ થવાની ઘટનામાં 7 લોકોના થયા મોત થયા છે અને હાલમાં પણ રેસ્ક્યુ કામગીરી યથાવત છે. પ્રથમ મૃતદેહ રાત્રે 9 વાગ્યે કાટમાળ નીચેથી મળ્યો હતો. ત્યાં જ બીજો મૃતદેહ રાત્રે 12 વાગ્યે કાટમાળ નિચેથી નીકળ્યો હતો. ત્રીજો મૃતદેહ 12:34 વાગ્યે કાટમાળ નીચેથી નીકળ્યો હતો. ચોથો મૃતદેહ વહેલી સવારે 4: 32 મિનિટે મળ્યો હતો. પાંચમો મૃતદેહ 4:38 મિનિટે મળ્યો હતો. છઠ્ઠો અને સાતમો મૃતદેહ 5:01 મિનિટે કાટમાળ નીચેથી નીકળ્યા હતા. હાલમાં રેસ્ક્યુ કામગીરીમાં ફાયર વિભાગ, SMC, NDRF અને SDRFની ટીમો કામે લાગેલી છે. ત્યાં જ 5 હિટાચી મશીન દ્વારા બિલ્ડિંગનો કાટમાળ ખસેડવાની કામગીરી કરવામાં આવી રહી છે. મોડી રાત સુધી કલેકટર અને સુરત પોલીસ કમિશનર ઘટના સ્થળ પર પહોંચી ગયા હતા.

આ પણ વાંચો: …અને વિધર્મીઓનું ટોળું ભગવાન જગન્નાથજીનો રથ ખેંચી ગયું

તમને જણાવી દઇએ કે, સચિન વિસ્તારના ડીએમનગરની 5 માળની ઇમારત ધરાશાયી થતાં દોડધામ મચી ગઈ હતી. તો આ દુર્ઘટનાને પગલે આજુબાજુ પણ લોકો એકત્રિત થઈ ગયા હતા. આ દુર્ઘટના બની ત્યારે બિલ્ડિંગમાં 15 જેટલા લોકો હતા. કાટમાળ ખૂબ મોટા પ્રમાણમાં હોવાને કારણે ફાયરવિભાગ દ્વારા તમામ કાટમાળને દૂર કરવામાં આવી રહ્યો છે. ત્યારે કાટમાળ નીચે દબાયેલા લોકોનું રેસ્ક્યૂ ઓપરેશન અત્યારે પણ યથાવત છે.

પોલીસ કમિશનરે જણાવ્યુ હતુ કે, કાટમાળમાંથી બે લોકોના અવાજ આવતો હતો. હાલ એક મહિલાનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે અને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આ ઉપરાંત અન્ય એક મહિલા બહાર બેઠી છે, તેમના પતિ અંદર કાટમાળમાં ફસાયેલા છે. અંદાજે વર્ષ 2016માં બિલ્ડિંગ બની હતી.

સુરતના જિલ્લા કલેક્ટરે આ મામલે જણાવ્યુ હતુ કે, બપોરે આ ઘટના બની હતી. એનડીઆરએફ-એસડીઆરએફ ટીમ પણ ઘટનાસ્થળે આવી પહોંચી છે. એક મહિલાનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. થોડીવારમાં જ કાટમાળ ખસેડી નાંખવામાં આવશે. મનપાએ જર્જરિત બિલ્ડિંગ્સને નોટિસ આપી છે. અમારી ટીમ બનાવીને કામ કરીશું. મનપા તરફથી પ્રિમોન્સૂન કામગીરી ચાલુ છે. તમામને નોટિસ પાઠવી દેવામાં આવી છે.