સુરતમાં 6 માળની બિલ્ડિંગ ધરાશાયી, એક મહિલાનું રેસ્ક્યૂ
સુરતઃ શહેરમાં સચિન વિસ્તારના પાલી ગામમાં 6 માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ છે. હાલ મળતી માહિતી પ્રમાણે, આ દુર્ઘટનામાં 15 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ દુર્ઘટનાની જાણ થતાં જ ફાયર અને પોલીસ વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી.
રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું
સચિન વિસ્તારના ડીએમનગરની 5 માળની ઇમારત ધરાશાયી થતાં દોડધામ મચી ગઈ છે. તો આ દુર્ઘટનાને પગલે આજુબાજુ પણ લોકો એકત્રિત થઈ ગયા છે. આ દુર્ઘટના બની ત્યારે બિલ્ડિંગમાં કેટલા લોકો હતા, તે જાણી શકાયું નથી. કાટમાળ ખૂબ મોટા પ્રમાણમાં હોવાને કારણે ફાયરવિભાગ દ્વારા તમામ કાટમાળને દૂર કરવામાં આવી રહ્યો છે. ત્યારે કાટમાળ નીચે દબાયેલા લોકોનું રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.
ડેપ્યૂટી મેયરે જણાવ્યુ હતુ કે, ફાયરવિભાગે સૂચના આપવામાં આવી હતી. સચિનમાં બિલ્ડિંગ ધરાશાયી થઈ છે. સુરત મનપાની ફાયરવિભાગની ટીમ પ્રયત્ન કરી રહી છે. ત્રણ-ચાર પરિવારો આ બિલ્ડિંગમાં રહે છે. બેથી ત્રણ માણસ ફસાયા હોય તેવી શક્યતા છે.
પોલીસ કમિશનરે જણાવ્યુ હતુ કે, કાટમાળમાંથી બે લોકોના અવાજ આવતો હતો. હાલ એક મહિલાનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે અને તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. આ ઉપરાંત અન્ય એક મહિલા બહાર બેઠી છે, તેમના પતિ અંદર કાટમાળમાં ફસાયેલા છે. અંદાજે વર્ષ 2016માં બિલ્ડિંગ બની હતી.
સુરતના જિલ્લા કલેક્ટરે આ મામલે જણાવ્યુ હતુ કે, બપોરે આ ઘટના બની હતી. એનડીઆરએફ-એસડીઆરએફ ટીમ પણ ઘટનાસ્થળે આવી પહોંચી છે. એક મહિલાનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. થોડીવારમાં જ કાટમાળ ખસેડી નાંખવામાં આવશે. મનપાએ જર્જરિત બિલ્ડિંગ્સને નોટિસ આપી છે. અમારી ટીમ બનાવીને કામ કરીશું. મનપા તરફથી પ્રિમોન્સૂન કામગીરી ચાલુ છે. તમામને નોટિસ પાઠવી દેવામાં આવી છે.