સુરતમાં RTIના નામે પૈસાની ઉઘરાણી કરતા વ્યક્તિની ધરપકડ, ત્રણ ફરિયાદ દાખલ

અમિત રુપાપરા, સુરતઃ શહેરમાં RTI કરી લોકો પાસેથી પૈસાની ઉઘરાણી કરતા ઈસમો સામે પોલીસ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. ત્યારે સુરતની ઉધના પોલીસે સુરત કલેકટર કચેરીમાં જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ તેમજ સુરત મહાનગરપાલિકાના ઉધના સાઉથ ઝોનની કચેરીમાં લોકો સામે ખોટી ખોટી ફરિયાદો કરી અરજી બાદ લોકોનું ગેરકાયદેસર બાંધકામ નહીં તોડાવવા બાબતે ખંડણી માગનારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ ઇસમનું નામ મનીષ રાણા ઉર્ફે મનીષ ઘંટીવાલા છે. જેની સામે ઉધના પોલીસ સ્ટેશનમાં ત્રણ ગુના દાખલ થયા છે.
સુરતના ઉધના પોલીસ સ્ટેશનમાં અલગ અલગ લોકો દ્વારા ત્રણ ફરિયાદો નોંધાવવામાં આવી હતી. આ ત્રણ ફરિયાદ મનીષ રાણા ઉર્ફે મનીષ ઘંટીવાલા સામે નોંધાઈ હતી. ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે, મનીષ ઘંટીવાલા નામનો ઈસમ સુરત જિલ્લા કલેક્ટર કચેરીમાં જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ શાખામાં લોકો વિશે અલગ અલગ ઉપજાવેલી ફરિયાદો કરતો હતો.
ત્યારબાદ લોકો પાસેથી પૈસાની ઉઘરાણી કરતો હતો. આ ઉપરાંત અન્ય એક ફરિયાદમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, મનીષ ઘંટીવાલા નામના ઈસમ દ્વારા ઉધના સાઉથ ઝોનમાં ખોટી ખોટી ઉપજાવેલી ફરિયાદોના આધારે બાંધકામ પર કોઈ પણ કાર્યવાહી ન કરાવવા અને બાંધકામ ન તોડાવવા માટે પૈસાની માગણી કરી છે અને પૈસા પણ પડાવ્યા છે.
આ ત્રણ ફરિયાદ નોંધાયા બાદ ઉધના પોલીસ દ્વારા મનીષ ઘંટીવાલાને પકડવા માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી. ત્યારે ઉધના પોલીસની ટીમ દ્વારા મનીષ ઘંટીવાલાની ધરપકડ કરવામાં આવી છે. મહત્વની વાત છે કે, આ મનીષ ઘંટીવાલા આરટીઆઇ કરીને અલગ અલગ લોકો દ્વારા કરવામાં આવતા બાંધકામની માહિતી મેળવતો હતો અને ત્યારબાદ બાંધકામના તોડાવવા માટે જે તે વ્યક્તિ પાસેથી પૈસાની માગણી કરતો હતો.
આ મનીષ ઘંટીવાલાની પૂછપરછ કરતાં પોલીસને સામે આવ્યું હતું કે, મનીષ ઘંટીવાલા એક સાપ્તાહિક પેપર પણ ચલાવતો હતો અને કેટલાક લોકોને તો આ સાપ્તાહિક પેપરમાં તેમના ગેરકાયદેસર બાંધકામો બાબતે ન લખવા માટે પણ ડરાવી ધમકાવી તેની પાસેથી પૈસા પડાવતો હતો.