સુરત પોલીસની મેહુલ બોઘરા સહિત 15 સામે ફરિયાદ
સુરતઃ શહેરના પુણા વિસ્તારમાં ગઈકાલે એડવોકેટ મેહુલ બોઘરાએ પોલીસ કાર પર બ્લેક ફિલ્મ અને નંબર વગરની કારનો વીડિયો બનાવ્યો હતો. આ કાર પોલીસ અધિકારીની હતી. તેને લઈને ઘણી માથાકૂટ થઈ હતી. મેહુલ બોઘરાએ પોલીસ અધિકારી અને તેમના કર્મીઓ પર હુમલો કરવાનો આક્ષેપ પણ કર્યો હતો. ત્યારે આજે આ મામલે પોલીસે મેહુલ બોઘરા સામે પોલીસ ફરિયાદ નોંધી છે.
મેહુલ બોઘરાએ કારને લઈને સોશિયલ મીડિયામાં લાઇવ કર્યુ હતુ. કારમાં બ્લેક ફિલ્મ અને નંબર નહોતો. તેને લઈને લાઇવમાં માથાકૂટ થતી જોવા મળી હતી. ત્યારે પોલીસે મેહુલ બોઘરા સહિત 15 લોકો સામે આ મામલે ગુનો નોંધ્યો છે. પોલીસે ફરજ પર રૂકાવટ અને રાયોટીંગનો ગુનો દાખલ કર્યો છે. તો બીજી તરફ, મેહુલ બોઘરાએ 6 લોકો સામે ફરિયાદ નોંધાવી છે. બોઘરાએ પોલીસ અધિકારી સહિત 6 લોકો સામે ગુનો દાખલ કર્યો છે.
શું હતી સમગ્ર ઘટના?
સુરતના પર્વત પાટિયા ટ્રાફિક પોલીસ ચોકી પાસે આ ઘટના બની હતી. જેમાં મેહુલ બોઘરા પોલીસની ગાડીમાં કાળા કાચ અને નંબર પ્લેટ ન હોવાની ફરિયાદ કરી રહ્યો હતો. ત્યારે જાહેરમાં જ પોલીસ કર્મચારીએ મેહુલ બોઘરા પર હુમલો કર્યો હતો. આ સમગ્ર બનાવને લઈ મેહુલ બોઘરા ફરિયાદ માટે પુણા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પરંતુ તેમની ફરિયાદ ન લેવામાં આવતી હોવાનો આક્ષેપ કરતા હતા.