December 22, 2024

સુરત પોલીસ દ્વારા શહેરમાં ભીખ માંગતા અને સફાઈ કરતા 36 બાળકોનું રેસ્ક્યુ કરાયું

અમિત રૂપાપરા, સુરત: સુરતના વિવિધ વિસ્તારોમાં ભીખ માંગતા અને સફાઈના નામે પૈસા ઉઘરાવતા 36 બાળકોનું રેસ્ક્યુ સુરત પોલીસ દ્વારા કરવામાં આવ્યું છે. સુરત ક્રાઇમ બ્રાન્ચ, મહિલા સેલ, AHTU, IUCAW, અને વિવિધ પોલીસ મથકોની શી ટીમો તથા સર્વેલેન્સ સ્ટાફ દ્વારા સુરતના જુદા-જુદા વિસ્તારોમાં સવારથી સાંજ સુધી ઓપરેશન હાથ ધરી સગીર વયના બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે.

સુરત શહેરના જુદા-જુદા વિસ્તારોમાં ભીખ માંગતા બાળકો અને કચરો વીણીને અથવા સફાઈ કરીને પૈસા ઉઘરાવતા બાળકોનું રેસ્ક્યુ તથા આવા બાળકોના પુનઃ વસન માટે સુરત પોલીસ કમિશ્નર અનુપમ સિંહ ગેહલોત દ્વારા સૂચના આપવામાં આવી હતી. CPના આદેશને પગલે સુરત ક્રાઇમ બ્રાન્ચના JCP, DCPના માર્ગદર્શન હેઠળ ACP મહિલા સેલ દ્વારા AHTU, IUCAW અને વિવિધ પોલીસ મથકો શી ટીમ અને સર્વેલાન્સ સ્ટાફની જુદી જુદી ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમો દ્વારા સમગ્ર શહેરમાંથી આવા બાળકોને શોધી કાઢવા માટે સર્ચની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

આ પણ વાંચો: કેરળના વાયનાડમાં ભૂસ્ખલનથી તબાહી, 8 લોકોના મોત; સેંકડો ફસાયેલા લોકોનું રેસ્ક્યુ યથાવત

સુરત શહેર પોલીસની જુદી-જુદી બ્રાન્ચ તથા સ્થાનિક પોલીસની કુલ 30 ટીમો બનાવી સમગ્ર શહેરમાં 29-07-2024ના સવારથી આવા સગીર બાળકોને શોધવાનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સાંજ સુધીમાં આવા 38 બાળકો મળી આવ્યા હતા, જેઓ ભીખ માંગતા હતા અથવા તો કચરો વીણી કે સફાઈ કરી રૂપિયાની માંગણી કરતા હોય.

કુલ 38 બાળકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું તેમાં 17 સગીર વયના બાળકો 21 બાળકીઓનો સમાવેશ થાય છે. 38 બાળકોમાં 0 થી 6 વર્ષના 7 અને 0થી 12 વર્ષની વયના 31 બાળકો છે. આ તમામ 38 બાળકો ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યો સાથે સંબંધ ધરાવે છે જેમાં ગુજરાતના 23, બિહારના 10 અને મહારાષ્ટ્રના 5 બાળકો છે. રેસ્ક્યુ કરાયેલ આ બાળકોમાં માતા પિતા સાથે કુલ 33 બાળકો હતા. જ્યારે 4 બાળક અનાથ અને 1 બાળક અન્ય વ્યક્તિ સાથે મળી આવ્યું હતું.

છેલ્લા એક માસથી આવા બાળકો પર સુરત શહેર પોલીસ દ્વારા નજર રાખવામાં આવી રહી હતી. જેમાં 113 બાળકો ભીખ માંગવાની અથવા કચરો વીણી કે સફાઈ કામ કરી રૂપિયા ઉઘરાવતા હોય તેવી ઓળખ થઈ હતી. આવા બાળકોના રેસ્ક્યુ તથા પુનઃવસનની કામગીરી આગામી સમયમાં પણ પોલીસ દ્વારા કરવામાં આવશે. સુરત પોલીસ દ્વારા જુવેનાઇલ જસ્ટિસ એક્ટ અને કાયદાકીય જોગવાઈઓ મુજબ કામગીરી કરી CWC (ચાઇલ્ડ વેલ્ફેર કમિટી)ને બાળકોનો કબ્જો સોંપવાની કામગીરી કરવામાં આવી છે.