સુરત પોલીસે 998 ગ્રામ હાઇબ્રીડ ગાંજા સાથે એક આરોપીને ઝડપ્યો, મુંબઈથી લાવ્યો હોવાનું ખૂલ્યું

અમિત રુપાપરા, સુરતઃ શહેર પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સીટી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત ગેરકાયદેસર ડ્રગ્સ, ગાંજા અને હેરાફેરી કરતા ઈસમોને પોલીસ દ્વારા પકડવામાં આવી રહ્યા છે. ત્યારે સુરતની સારોલી પોલીસ દ્વારા બાતમીના આધારે 998 ગ્રામ હાઇબ્રીડ ગાંજા સાથે એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો છે. આ ગાંજાની કિંમત 29,94,000 હોવાનું સામે આવ્યું છે. આ ઈસમનું નામ કેનીલ પટેલ હોવાનું સામે આવ્યું છે અને તે સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં વતની છે. આરોપી ગાંજાનો મુદ્દામાલ મુંબઈના વ્યક્તિ પાસેથી લાવ્યો હોવાનું સામે આવ્યું છે.

સારોલી પોલીસને બાતમી મળી હતી કે, સુરતના સારોલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં નજીક આવેલ અંબાબા કોલેજના ગેટ પાસેથી મુદ્દામાલ સાથે પસાર થવાનો છે. ત્યારે આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને આરોપી કેનીલ પટેલ ગાંજાના મુદ્દામાલ સાથે પસાર થતો હતો. ત્યારે તેને ઝડપી પાડી તેની તપાસ કરતા તેની પાસેથી 998 ગ્રામ ગાંજો મળી આવ્યો હતો.

તે આ હાઇબ્રીડ ગાંજો મુંબઈમાં અજાણ્યા ઈસમ પાસેથી લાવ્યો હતો અને સુરતના અક્ષય ઉર્ફે આઝાદ સોનીને આ ગાંજો આપવાનો હતો. હાલ સારોલી પોલીસ દ્વારા મુંબઈથી ગાંજો આપનાર અને સુરતથી ગાંજો મંગાવનાર અક્ષયને વોન્ટેડ જાહેર કર્યા છે. મહત્વની વાત છે કે ગાંજો લાવનાર વ્યક્તિ સ્કૂલબેગમાં ગાંજો લાવતો હતો જેથી કરીને કોઈને શંકા ન જાય.