સુરત પોલીસે કરી 3 મોબાઇલ ચોરોની ધરપકડ, 48 મોબાઇલ જપ્ત
અમિત રુપાપરા, સુરતઃ શહેરમાં બીઆરટીએસ બસ તેમજ રેલ્વે સ્ટેશન પર ભીડનો લાભ ઉઠાવી લોકોના મોબાઈલ ચોરી કરતી ગેંગના ત્રણ ઈસમોને પકડવામાં સુરતની જહાંગીરપુરા પોલીસને સફળતા મળી છે. આ ઈસમો પાસેથી પોલીસે 48 મોબાઈલ રિકવર કર્યા છે. આરોપીની ધરપકડ બાદ જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ત્રણ અને મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એક ગુનાનો ભેદ ઉકેલાયો છે.
સુરત શહેરમાં લોકો માટે બીઆરટીએસ બસ સેવા સુરત મહાનગરપાલિકા દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ત્યારે મોટાભાગના લોકો રીક્ષા કરતા બીઆરટીએસ બસ સસ્તી હોવાના કારણે આ બસમાં મુસાફરી કરે છે. તેના કારણે કેટલીક જગ્યા પર બસ સ્ટેશન પર કે બસમાં લોકોની ભીડ જોવા મળતી હોય છે. ત્યારે બીઆરટીએસ બસમાં ચડતા સમયે ભીડનો લાભ ઉઠાવી લોકોના મોબાઇલ ચોરીને લઈ જતા હોવાની ફરિયાદ જહાંગીરપુરા પોલીસને મળી હતી. આ ફરિયાદના આધારે પોલીસ દ્વારા આ મામલે મોબાઈલ ચોરી કરનારા ઇસમોને પકડવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી.
જહાંગીરપુરા પોલીસ દ્વારા આ બાબતે અલગ અલગ ટીમો તૈયાર કરવામાં આવી હતી અને પોલીસ સ્ટેશન સ્ટાફના માણસો દ્વારા મોબાઈલ ચોરીના દાખલ થયેલા ગુનાઓમાં આરોપીને શોધી કાઢવા માટે શક્ય બને તેટલા પ્રયાસો કરવામાં આવી રહ્યા હતા. ટેક્નિકલ સર્વેલન્સ અને હ્યુમન સોર્સની બાતમીના આધારે જહાંગીરપુરા પોલીસ દ્વારા મોબાઈલ ચોરીની ઘટનાને અંજામ આપતા ત્રણ ઈસમોને પકડવામાં મોટી સફળતા મળી છે.
પોલીસના હાથે ઝડપાયેલા ઈસમોમાં અબ્દુલ રજાક ખલીફા, અબ્બાસ પટેલ અને મોહીબખાન પઠાણનો સમાવેશ થાય છે. આ ત્રણેય ઈસમો પાસેથી પોલીસને 48 મોબાઇલ મળી આવ્યાં છે અને મહત્વની વાત એ છે કે, આ ત્રણેય આરોપી અમરોલી એચટુ આવાસના રહેવાસી છે અને છેલ્લા ઘણા સમયથી આ ઈસમો આ પ્રકારે મોબાઇલ ચોરીની ઘટનાને અંજામ આપતા હતા. પોલીસે આ ત્રણેય ઈસમોની ધરપકડ કરી છે. જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ત્રણ અને મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો એક મોબાઈલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલ્યો છે.