December 14, 2024

સુરત મનપાની શાળામાં પણ ત્રણ ભૂતિયા શિક્ષક, બે વિદેશ ગયા તો એક તો સાવ ગાયબ!

સુરતઃ સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં પણ અન્ય જિલ્લાઓની માફક ત્રણ ભૂતિયા શિક્ષક સામે આવ્યા છે. શિક્ષકો અંદાજે 6 મહિનાથી ગેરહાજર હોવા છતાં પગાર ચાલુ છે.

બનાસકાંઠાની ઘટના પછી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તપાસમાં ઘટસ્ફોટ થયો છે. ત્યારે હાલ વિદેશ ગયેલા 3 શિક્ષકોને નોટિસ ફટકારવામાં આવી છે. એક હજારથી વધુ શિક્ષકોની ઘટ છતાં 100 જેટલા શિક્ષકો કોઈને કોઈ બહાને નિયમ મુજબ રોજના 3-3 વર્ગો લેતા નથી.

શાળા ક્રમાંક 121ના શિક્ષક નિમિષા પટેલ અને ક્રમાંક 190ના આરતી ચૌધરી વિદેશ ગયા હોવાનું જણાવી 6 મહિનાથી વધુ સમયથી રજા પર છે. તો શાળા ક્રમાંક 275ના શિક્ષક અન્સારી મોહમ્મદ અમીન મુસાનો તો કોઈ અતોપતો જ નથી. આ ત્રણેયને હાજર થવા નિયમ મુજબ 3-3 નોટિસ આપવામાં આવી છે. સમિતિમાં સ્ટાફ માટે ઓનલાઈન પંચિંગ અમલમાં છે, પરંતુ વર્ષોથી આ સિસ્ટમને કોઈ પણ નિર્ણય વિના સમાપ્ત કરી દેવામાં આવી છે.