November 23, 2024

શ્રાવણમાં ભેળસેળિયાઓ સામે કાર્યવાહી કરાશે, આરોગ્ય વિભાગ દ્વારા સેમ્પલ લેવાયા

અમિત રૂપાપરા, સુરત: હાલ શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે. જેથી મોટાભાગના લોકો ઉપવાસ દરમિયાન ફરાળી લોટની વાનગીઓ આરોગતા હોય છે. ત્યારે આ ફરાળી લોટમાં કોઈપણ જાતની ભેળસેળ કરવામાં આવે છે કે કેમ તે તપાસવા માટે સુરત શહેરના 8 ઝોનમાં 8 ટીમો બનાવી સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ દુકાનોમાંથી ફરાળી લોટના સેમ્પલો લેવામાં આવ્યા છે. આ સેમ્પલો પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલી ચકાસવામાં આવશે જો લોટમાં ભેળસેળ જણાવશે તો વિક્રેતાઓ પર કડક કાર્યવાહી કરાશે.

હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. મોટા ભાગના લોકો શ્રાવણ માસમાં ભગવાન શિવની આરાધના માટે ઉપવાસ કરતા હોય છે અને આ ઉપવાસ દરમિયાન ફરાળી વાનગીઓ આરોગતા હોય છે. પરંતુ ઘણી વખત આ ફરાળી લોટ અને વસ્તુઓમાં ભેળસેળ કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે.

ત્યારે આજે સુરતના આરોગ્ય વિભાગ દ્વારા ફરાળી લોટના સેમ્પલ લેવામાં આવ્યા હતા. સુરતના આઠ ઝોનમાં આઠ જેટલી ટીમો બનાવી ફરાળી લોટના જેમ કે રાજગરાનો લોટ, શિંગોડાનો લોટ અને અન્ય વસ્તુઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા અને આ સેમ્પલ પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે.

આ મામલે ફૂડ સેફ્ટી ઓફિસરે જણાવ્યું હતું કે, આઠ ઝોનમાં આરોગ્ય વિભાગની આઠ જેટલી ટીમો દ્વારા ફરાળી લોટ અને ફરાળી વાનગીઓના સેમ્પલ લેવામાં આવ્યા છે. શ્રાવણ મહિના દરમિયાન મોટાભાગના લોકો ઉપવાસમાં ફરાળી વસ્તુઓ આરોગતા હોય છે. ત્યારે આ ફરાળી વસ્તુઓમાં કોઈપણ જાતની ભેળસેળ કરવામાં આવતી નથી તે તપાસવા માટે આજે સેમ્પલોની કાર્યવાહી કરાય છે. આ તમામ સેમ્પલો પબ્લિક હેલ્થ લેબોરેટરી ખાતે મોકલવામાં આવશે અને ત્યાંના રિપોર્ટ બાદ જો કોઈ ભેળસેળ જણાશે તો તે સંસ્થાના વિક્રેતા પર કડક કાર્યવાહી કરવામાં આવશે અને દંડની સજા પણ કરવામાં આવશે.