સુરત મનપાએ નજીવી બાબતે 150 વૃક્ષ કાપી નાંખ્યાં! પર્યાવરણ પ્રેમીઓમાં રોષ
અમિત રુપાપરા, સુરતઃ વર્તમાન સમયમાં આકરા તાપના કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તેવામાં લોકો તડકાંથી બચવા માટે વૃક્ષનો છાંયડો શોધી રહ્યા છે. ત્યારે આવી પરિસ્થિતિમાં સુરત મહાનગરપાલિકાના ગાર્ડન વિભાગ દ્વારા અંદાજિત 150 જેટલા વૃક્ષોનાં થડ અને ડાળીઓ કાપી નાંખવામાં આવ્યા છે. એટલે કે વૃક્ષને એકદમ જ ઠૂંઠાં કરી દેવામાં આવ્યા છે. જેનાથી પર્યાવરણ પ્રેમીઓમાં રોષ જોવા મળ્યો છે.
સુરત મહાનગરપાલિકાના ગાર્ડન વિભાગ દ્વારા સુરતનાં ભૂલકા ભવન રોડ પર કપોકના વૃક્ષ વાવવામાં આવ્યા છે. ડિવાઈડર પર આ વૃક્ષો લગાવવામાં આવ્યા છે અને આ કપોકના વૃક્ષમાં જે ફળ થાય છે તેમાંથી સફેદ રૂ નીકળે છે અને આ રૂ રસ્તા પર ઉડવાથી લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. તેવું કારણ દર્શાવીને સુરત મહાનગરપાલિકાના ગાર્ડન વિભાગ દ્વારા 150 જેટલા વૃક્ષોને ડાળી અને પાન વગરનાં કરી દેવામાં આવ્યા છે, એટલે કે વૃક્ષોના થડ જ કાપી નાંખવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ મહિલા કોન્સ્ટેબલના આપઘાત મામલે સાયબર ક્રાઇમના પોલીસ કોન્સ્ટેબલ સામે ફરિયાદ નોંધાઈ
સુરત મહાનગરપાલિકાના ગાર્ડન વિભાગની આ કામગીરીના કારણે પર્યાવરણ પ્રેમીઓની લાગણી દુભાય છે અને તેમને સુરત મહાનગરપાલિકાના ગાર્ડન વિભાગની ટીકા કરી છે. પર્યાવરણ પ્રેમીઓનું કહેવું છે કે, સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં અલગ અલગ જગ્યાઓ પર પર્યાવરણને નુકસાન પહોંચાડતા અને ભૂગર્ભ જળ માટે હાનિકારક એવા કોનોકાર્પસ ટ્રીને સંપૂર્ણ રીતે નાબૂદ કરવામાં આવ્યા નથી. તેવામાં વૃક્ષ હાનિકારક નથી તેવા વૃક્ષોને ઠૂંઠાં કરી નાંખવામાં આવ્યા છે. એટલે કે તેના ડાળીઓ અને પાન કાપી નાંખવામાં આવ્યા છે.
આ પણ વાંચોઃ ભાજપે વિધાનસભાની પેટાચૂંટણી માટે જાહેર કર્યા ઉમેદવાર, પોરબંદરથી મોઢવાડિયા મેદાને
મહત્વની વાત કહી શકાય કે, સુરત મહાનગરપાલિકાએ જે વૃક્ષને ઠૂંઠા કરી દીધા છે. આ વૃક્ષના ફળોનો ઉપયોગ કરીને તેમાંથી નીકળતા રૂને પ્રોસેસ કરીને તેનું માર્કેટમાં વેચાણ કર્યું હોત તો તેમાંથી એક આવકનો સ્ત્રોત પણ ઉભો થઈ શકે. કારણ કે વૃક્ષના ફળમાંથી જે રૂ નીકળે છે તેને ઓશિકા, ગાદલાં અને અન્ય વસ્તુઓ બનાવવા માટે ઉપયોગમાં લઈ શકાય છે. પરંતુ વાહનચાલકોને મુશ્કેલી પડે તેવું કારણ આપીને ગાર્ડન વિભાગે કામમાં આળસ દર્શાવીને વૃક્ષના ડાળીઓ અને થડ જ કાપી નાંખ્યા છે.
મહત્વની વાત કહી શકાય કે, ઈન્ડોનેશિયા, જાવા, ફિલિપાઈન્સ અને પશ્ચિમ આફ્રિકામાં કપોકની ખેતી થાય છે અને સુરતમાં તો ગાર્ડન વિભાગ દ્વારા આ વૃક્ષોને કાપી નાંખવામાં આવે છે. આ વૃક્ષનું લાકડું પોચું હોવાથી તે બાંધકામમાં વાપરી શકાતું નથી. આ વૃક્ષાનું લાકડું પ્લાયવૂડમાં, પેકિંગનાં ખોખામાં, બોક્ષ બનાવવા તેમજ પલ્પ ઈન્ડસ્ટ્રીઝમાં વપરાય છે. આ ઉપરાંત કપોકના બીમાં 25 ટકા જેટલું તેલ હોય છે જે ખૂબ વધારે છે તેવું કહી શકાય. આ તેલને દીવો સળગાવવા, સાબુ બનાવવા તેમજ અન્ય સામગ્રી માટે ઉપયોગમાં લઈ શકાય છે.