MLA કુમાર કાનાણીના ખોટા સહી-સિક્કાથી આધારકાર્ડ-પાનકાર્ડમાં સુધારા કરતા આરોપીની ધરપકડ

અમિત રુપાપરા, સુરતઃ શહેરના વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણીના નામના ખોટા સહી-સિક્કા બનાવી આધાર કાર્ડ તેમજ પાનકાર્ડ જેવા સરકારી ડોક્યુમેન્ટમાં સુધારા વધારા કરતા એક ઈસમને સુરતની કાપોદ્રા પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો છે. પોલીસના હાથે ઝડપાયેલો દીપક પટનાયક મૂળ ઓરિસ્સાનો વતની છે અને પૈસા કમાવાની લાલચમાં તેને આ કાર્ય કર્યુ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આરોપીએ કુમાર કાનાણીના નામના સિક્કા ઓરિસ્સાના સંબલપુર ખાતે અજાણ્યા વ્યક્તિ પાસે બનાવ્યા હોવાનું પણ પોલીસને જાણવા મળ્યું છે. ત્યારે પોલીસે દીપકની ધરપકડ કરી ઓરિસ્સાના અજાણ્યા ઇસમને વોન્ટેડ જાહેર કર્યો છે.

વ્યક્તિઓના મહત્વના પુરાવા ગણાતા આધાર કાર્ડ અને પાનકાર્ડ જેવા પુરાવામાં સુધારા વધારા કરવા હોય તો કોર્પોરેટર ધારાસભ્યના ભલામણ પત્રની જરૂર પડે છે. ત્યારે આવા ડોક્યુમેન્ટમાં સુધારા વધારા કરવા માટે સુરતની વરાછા વિધાનસભાના ધારાસભ્ય કુમાર કાનાણીના નામના ખોટા સહી સિક્કા બનાવી તેનો ઉપયોગ કરતા એક ઈસમને સુરતની કાપોદ્રા પોલીસે ઝડપી પાડ્યો છે.

સુરતની કાપોદ્રા પોલીસને બાતમી મળી હતી કે, કાપોદ્રા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં એક ઈસમ ધારાસભ્ય કુમાર કાનાણીના નામના ખોટા ડોક્યુમેન્ટનો ઉપયોગ કરી 200 રૂપિયા લઈ લોકોના આધાર કાર્ડ તેમજ પાનકાર્ડમાં વિગતો ચેન્જ કરાવી આપવાનું કામ કરે છે. તેથી આ બાતમીના આધારે કાપોદ્રા સૌરાષ્ટ્ર સર્કલ ખાતેથી કાપોદ્રા પોલીસે દીપક પટનાયકની ધરપકડ કરી છે.

દિપક પટનાયક MBAનો અભ્યાસ કરે છે અને ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટીમાં તે અભ્યાસ કરતો હોવાનું સામે આવ્યું છે. દિપક સુરતના અમરોલી વિસ્તારમાં કોશાડ આવાસમાં રહે છે. દિપક લોકોના આધારકાર્ડ તેમજ પાનકાર્ડ જેવા સરકારી ડોક્યુમેન્ટમાં નામ સરનામાની વિગતો ચેન્જ કરવા માટે ધારાસભ્ય કુમાર કાનાણીના સહી સિક્કા વાળા લેટરો બોગસ રીતે બનાવતો હતો. આરોપી પાસેથી ધારાસભ્ય કુમાર કાનાણીના વિધાનસભાનું આઈકાર્ડ પણ મળી આવ્યું છે અને આ તમામ ડોક્યુમેન્ટ સાથે તે ધારાસભ્યનું આઈ કાર્ડ પણ એટેચ કરતો હતો.

આરોપી આર્થિક ફાયદા માટે ધારાસભ્ય કુમાર કાનાણીના ડોક્યુમેન્ટનો ખોટો ઉપયોગ કરતો હતો. મહત્વની વાત છે કે, પોલીસ દ્વારા આરોપી પાસેથી એક કોમ્પ્યુટર, પ્રિન્ટર, થમ્બ ડિવાઇસ, કુમાર કાનાણીની સહીનો સિક્કો, મેમ્બર ઓફ એસેમ્બલી સુરતનો રાઉન્ડ સિક્કો, રિક્વેસ્ટ ન્યુ પાનકાર્ડ એન્ડ ચેન્જીસ ઓર કરેક્શન પાનકાર્ડ લખેલા અને સિક્કા મારેલા 10 ફોર્મ, અલગ અલગ ફોટા વાળા 7 ફોર્મ અને એક મોબાઇલ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે.

આરોપીની પૂછપરછમાં સામે આવ્યું છે કે, તેને માત્ર 200 રૂપિયાની લાલચમાં કેટલાક પશ્ચિમ બંગાળના લોકોના પણ આધારકાર્ડમાં સુધારો કરી તેમના પાનકાર્ડ અપ્લાય કર્યા છે. આ ઉપરાંત સુરત અને આણંદમાં રહેતા લોકોના પણ આધારકાર્ડ અને પાનકાર્ડમાં સુધારા વધારા કરતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.