સુરતમાં યુવકનું અપહરણ, માર મારી 1 કરોડ માગ્યા; 3ની ધરપકડ
અમિત રુપાપરા, સુરતઃ શહેરમાં ક્રાઈમની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે ઓનલાઇન જુગારના પૈસાની લેતીદેતીમાં સુરતના વરાછા વિસ્તારના યુવકનું અપહરણ કરીને તેની પાસેથી એક કરોડ માગ્યા હોવાની ફરિયાદ કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. આ સમગ્ર મામલે પોલીસ દ્વારા તાત્કાલિક અસરથી ત્રણેય ઈસમને પકડવામાં આવ્યા છે અને ચાર લોકોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.
સુરતના કાપોદ્રા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી એક યુવકના અપહરણની ઘટના સામે આવી છે. વરાછા વિસ્તારમાં આવેલી રંગ અવધૂત સોસાયટીમાં પરિવાર સાથે હતો આકાશ કુકડીયા નામનો યુવક ઓનલાઇનનો ધંધો કરીને પરિવારનો ગુજરાન ચલાવે છે. 24 ડિસેમ્બરના રોજ આકાશ કુકડીયા બપોરના સમયે મોપેડ લઈને તેના ઘરેથી ઓફિસ જતો હતો. તે સમયે કાપોદ્રા સરકારી ગોડાઉન પાસે કાર અને બાઈકમાં આવેલા ઈસમો દ્વારા આકાશનું અપહરણ કરવામાં આવ્યું હતું.
આજાણ્યા ઇસમો દ્વારા આકાશને રસ્તા વચ્ચે રોકવામાં આવ્યો હતો અને ત્યારબાદ બળજબરીપૂર્વક તેને કારમાં બેસાડીને તેનું અપહરણ કરી લઈ ગયા હતા. ત્યારબાદ આ ઈસમો દ્વારા આકાશને કહ્યું હતું કે, તું બુકી છે અને તારી પાસે રાજકોટથી 10 કરોડ રૂપિયા આવ્યા છે અને તારા કારણે બે માણસોએ દવા પીધી છે. આટલું કહ્યા બાદ અપહરણકર્તાઓએ આકાશ કુકડીયાને માર માર્યો હતો. આકાશ પાસેથી એક કરોડ રૂપિયાની માગણી કરી હતી. જો પૈસા નહીં દે તો તેને રાજકોટ લઈ જવાની ધમકી આપી હતી અને ત્યારબાદ આકાશને અબ્રામા રોડ પર આ ઇસમો ઉતારીને ભાગી ગયા હતા.
આ ઘટનાને લઈને તાત્કાલિક અસરથી આકાશ કુકડીયા દ્વારા કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં આ બાબતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસ દ્વારા તપાસ કરતા સામે આવ્યું હતું કે, આકાશનું અપહરણ જે કારમાં થયું હતું તે કાર ટ્રાવેલ્સ એજન્સીમાંથી ખુશાલ નામના ઇસમે 3000 રૂપિયા આપીને ભાડે લીધી હતી. કારના નંબરના આધારે જ પોલીસ ટ્રાવેલ્સ એજન્સી સુધી પહોંચી હતી અને ગાડી ભાડે લઈ જનાર વ્યક્તિની વિગત મેળવીને પોલીસ આરોપીને પકડવામાં સફળ રહી હતી. પોલીસે આ સમગ્ર મામલે ત્રણ ઈસમોની ધરપકડ કરી છે અને ગુનામાં ઉપયોગમાં લેવામાં આવેલી swift કાર પણ કબજે કરી છે. તો જનક, રવિ અને વિમલ સહિત કુલ ચાર ઈસમોને વોન્ટેડ પણ જાહેર કર્યા છે.
પોલીસ દ્વારા જે ઈસમોની ધરપકડ કરવામાં આવી છે, તેમાં કેવલ કાકડીયા જે પુણાગામની બાલકૃષ્ણ સોસાયટીનો રહેવાથી છે, હાર્દિક ખુમાર પુણાગામની અમરનગર સોસાયટીનો રહેવાસી છે અને ખુશાલ સાવલિયા કે જે સરથાણામાં આવેલ સિવાય હાઈટ્સમાં રહે છે. આ ત્રણેયની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે, ખુશાલને આકાશ પાસેથી અઢી લાખ રૂપિયા લેવાના હતા અને આ અઢી લાખ રૂપિયાની લેતીદેતીમાં જ ખુશાલ દ્વારા આકાશના અપહરણનો પ્લાન બનાવવામાં આવ્યો હતો અને તેનું અપહરણ કરવામાં આવ્યું હતું. હાલ આ સમગ્ર મામલે કાપોદ્રા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.