કાપોદ્રામાંથી મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો ઝડપાયો, પોલીસે કાર્યવાહી શરૂ કરી

સુરતઃ શહેરના કાપોદ્રા વિસ્તારમાંથી મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો મળી આવ્યો છે. કાપોદ્રા પોલીસે શ્રીરામ નગરના એક મકાનમાંથી ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે. શ્રી રામ નગરના 473 નંબરના મકાનમાંથી ગાંજો મળી આવ્યો છે.
પોલીસે ગાંજાની 158 જેટલી નાની પ્લાસ્ટિકની પડીકી જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ સાથે જ રૂમમાંથી અન્ય રીતે સંગ્રહિત કરવામાં આવેલો 3 કિલો 166 ગ્રામ ગાંજાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વેચાણના હિસાબ રાખવાના 2 ચોપડા, ઇલેક્ટ્રિક વજન કાંટો, 2 તલવાર, લોખંડની ફરસી અને 2 ધારીયા પણ પોલીસ દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે.
આ રૂમમાં બિકાસ નામનો ઈસમ રહેતો હોવાનું પણ પોલીસ તપાસમાં સામે આવ્યું છે. પોલીસ દ્વારા આ બિકાસ નામના ઈસમ સામે બે અલગ અલગ ગુના દાખલ કરવામાં આવ્યા છે અને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.