December 22, 2024

ATMમાંથી પૈસા ઉપાડતી આંતરરાજ્ય ગેંગના 2 આરોપીની ધરપકડ, 1 લાખનો મુદ્દામાલ જપ્ત

અમિત રુપાપરા, સુરતઃ એટીએમ મશીનોમાં પૈસા ઉપાડવા જતા લોકોને મદદ કરવાના બહાને લોકો પાસેથી એટીએમ કાર્ડ ચેન્જ કરી એટીએમના પીન નંબર મેળવીને ત્યારબાદ એટીએમમાંથી પૈસા ઉપાડતી આંતરરાજ્ય ટોળકીના બે ઇસમોને કાપોદ્રા પોલીસે ઝડપી પાડ્યા છે. આ બંને ઈસમો પાસેથી પોલીસે અલગ-અલગ બેંકના 48 એટીએમ કાર્ડ અને કુલ 1.03 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

6 જૂન 2024ના રોજ કાપોદ્રા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં રૂપાલી સોસાયટીની પાછળ ICICI બેંકના એટીએમમાં ફરિયાદી પૈસા ઉપાડવા માટે ગયા હતા. તે સમયે એક અજાણ્યા ઇસમે ફરિયાદીની પૈસા ઉપાડવામાં મદદ કરવાના બહાને ફરિયાદી પાસે રહેલો એટીએમ કાર્ડ બદલી નાખ્યું હતું. ત્યારબાદ ફરિયાદીની જાણ બહાર અલગ અલગ જગ્યાએથી એટીએમ કાર્ડનો ઉપયોગ કરી ખાતામાંથી 34,330 ઉપાડી લીધા હતા. આ બાબતે ફરિયાદી દ્વારા કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવતા પોલીસે સમગ્ર મામલે ગુનો દાખલ કર્યો હતો અને આ ઈસમોને પકડવાની તજવીજ હાથ ધરી હતી.

આ પણ વાંચોઃ કચ્છના દરિયાકિનારેથી ફરી મળ્યું કરોડોનું ડ્રગ્સ, 10 પેકેટ ચરસ જપ્ત

કાપોદ્રા પોલીસ દ્વારા આ ઈસમોને પકડવા માટે અલગ અલગ ટીમ બનાવવામાં આવી હતી અને કાપોદ્રા પોલીસે બાતમીના આધારે પપ્પુરામ જાટ અને પ્રભુલાલ જાટની ધરપકડ કરી છે. આ બંને ઈસમો પાસેથી પોલીસે મોટર સાયકલ અને અલગ અલગ બેંકના 48 એટીએમ કાર્ડ સહિત કુલ 1.03 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે, તેમને કાપોદ્રા ઉપરાંત મોટા વરાછા વિસ્તારમાં એક જગ્યા પર અને કામરેજ વિસ્તારમાં બે જગ્યાએ એટીએમમાં કાર્ડ બદલીને લોકો સાથે છેતરપિંડી કરી છે.

આ પણ વાંચોઃ ડુપ્લિકેટ ખાતર વેચનારા-બનાવનારા ચાર લોકોની ધરપકડ, ખેડૂતોની ફરિયાદને આધારે કાર્યવાહી

પોલીસ દ્વારા આરોપીઓની પૂછપરછ કરતા સામે આવ્યું હતું કે, આરોપી પપ્પુરામ જાટ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે અને તેની સામે રાજસ્થાનમાં અલગ અલગ પોલીસ સ્ટેશનમાં કુલ 8 જેટલા ગુના નોંધાઈ ચૂક્યા છે. તો આરોપી પ્રભુલાલ જાટ સામે પણ રાજસ્થાનના એક પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ પોલીસે આ બંને આરોપીની ધરપકડ કરી તેમની વધુ પૂછપરછ હાથ ધરી છે.