સુરતમાં ફરી ગ્રીષ્માકાંડ થતા ટળ્યો, જાહેરમાં ચપ્પુથી યુવતી પર હુમલો
સુરતઃ શહેરના કાપોદ્રા વિસ્તારમાં ગ્રીષ્માકાંડ જેવી ઘટના બનતા રહી ગઈ છે. ત્યારે ઘટનાસ્થળે લોકોના ટોળા એકઠાં થઈ જતા યુવતીને બચાવી લેવામાં આવી છે અને પોલીસે આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી પ્રમાણે, કાપોદ્રા વિસ્તારમાં પાગલ પ્રેમીએ જાહેરમાં યુવતી પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. યુવકે ‘મારો ફોન કેમ નથી ઉપાડતી’ કહીને યુવતી પર જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકઠાં થઈ ગયા હતા. ત્યારે લોકોએ હિંમત રાખી હુમલાખોર પાગલ પ્રેમીને પકડી પાડ્યો હતો અને પોલીસને સોંપ્યો હતો. પોલીસે હાલ આ મામલે આરોપી રૂતિક વસાવાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ખટોદરામાં પણ બન્યો હતો આવો કિસ્સો
ખટોદરા વિસ્તારમાં પ્રેમિકા પર પ્રેમીએ જાહેરમાં ચપ્પુ વડે જીવલેણ હુમલો કરતા ગ્રીષમા હત્યાકાંડ જેવી ઘટના બનતા ટળી છે. છેલ્લા બે વર્ષથી પ્રેમસંબંધમાં રહેલી પ્રેમિકા પરત ઘરે આવી ગઈ હતી. જ્યાં માતા જોડે કામ પર જઈ રહેલી પ્રેમિકાને જબરદસ્તી પોતાની સાથે લઈ જવા પ્રેમીએ દબાણ કર્યું હતું. જો કે, પ્રેમિકાએ પ્રતિકાર કરતા પ્રેમીએ ઘાતક હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો હતો. એટલું જ નહીં, પરંતુ વચ્ચે પડેલી પ્રેમિકાની માતા ઉપર પણ હુમલો કરી પ્રેમી ફરાર થઈ ગયો હતો. આ ઘટના બાદ ઇજાગ્રસ્ત હાલતમાં પ્રેમિકાને સારવાર અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં આગળની તપાસ ખટોદરા પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.