સુરતના કામરેજમાંથી ગેસ રીફીલિંગ કૌભાંડ ઝડપાયું, એક આરોપીની ધરપકડ

સુરતઃ જિલ્લાના કામરેજ તાલુકાના ખોલવડ ગામેથી ગેસ રીફીલિંગનું કૌભાંડ ઝડપી પાડવામાં આવ્યું છે. સુરત ગ્રામ્ય એસઓજી પોલીસે કાર્યવાહી હાથ ધરી કૌભાંડ ઝડપી પાડ્યું છે. આ સાથે એક આરોપીની ધરપકડ કરી મુદ્દામાલ જપ્ત કર્યો છે.

મળતી માહિતી પ્રમાણે, ખોલવડ ગામે ગોકુલ નગરની એક દુકાનમાં ગેસ રીફીલિંગનું કૌભાંડ ચાલી રહ્યું હતું. ઘટનાસ્થળેથી પોલીસે ગેસ ભરેલી બોટલો, ખાલી બોટલો એક ટેમ્પા સહિતના સાધનો મળી કુલ 2.33 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.

પોલીસે દુકાન માલિક પારસમલ ગુર્જરને ઝડપી પાડ્યો હતો. જ્યારે આ ધંધામાં સંડોવાયેલા ત્રણ લોકોને વોન્ટેડ જાહેર કર્યા હતા. છેલ્લા બે વર્ષથી કોઈપણ ફાયર સેફટી વગર દુકાનની આડમાં ગેસ રીફીલિંગનું કૌભાંડ ચલાવતા હતા.