News 360
April 9, 2025
Breaking News

દુષ્કર્મી જૈન મુનિને સુરત કોર્ટે 10 વર્ષની સજા સંભળાવી, પીડિતાને 8 વર્ષે ન્યાય મળ્યો

અમિત રુપાપરા, સુરતઃ શહેરમાં ગુરુ શિષ્યના સંબંધને લજવનારા જૈન મુનિને સુરત કોર્ટ દ્વારા 10 વર્ષની કેદની સજા સંભળાવવામાં આવી છે. આ સાથે 25000ના દંડનો ચુકાદો પણ સંભળાવ્યો છે. ઉલ્લેખનીય છે કે, 8 વર્ષ પહેલાં ઉપાશ્રયમાં જૈન મુનિ દ્વારા 19 વર્ષીય શ્રાવિકા સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. વડોદરાની શ્રાવિકાને તાંત્રિક વિધિ નામે રૂમમાં લઈ જઈ તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. આ કેસમાં 8 વર્ષે પીડિતાને ન્યાય મળ્યો છે. તો કોર્ટ ટ્રાયલ દરમિયાન પીડિતાને પિતાનું અવસાન થઈ ગયું હતું.

સુરતના અઠવાલાઇન્સ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર, 1 ઓક્ટોબર 2017ના રોજ વડોદરાના કારેલીબાગમાં પરિવાર સાથે રહેતી 19 વર્ષીય યુવતી પરિવારના સભ્યો સાથે જૈન મુનિ શાંતિસાગર પાસે આવી હતી અને તે સમયે જૈન મુનિએ ફોન કરીને યુવતીના પિતાને બોલાવ્યા હતા. ત્યારબાદ આ જૈન મુનિ દ્વારા યુવતીના માતા પિતા અને ભાઈને અન્ય રૂમમાં બેસાડી દીધા હતા. પછી આ યુવતીને રૂમમાં લઈ જઈ તેની સાથે શારીરિક છેડછાડ કરી હતી. ત્યારબાદ જૈન મુનિએ યુવતીને કહ્યું હતું કે, આજે દિવસ સારો છે. તારે શું જોઈએ છે ત્યારે યુવતીએ કહ્યું કે, મારા માતા-પિતા અને હું ખુશ રહું એવું ઈચ્છું છું. બાદમાં શાંતિસાગરે યુવતીને કહ્યું હતું કે, તો જરા પણ અવાજ થશે તો તારા મમ્મી પપ્પાને કંઈ થઈ જશે એવું કહ્યા બાદ જૈન મુની દ્વારા યુવતી સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.

આ જૈન મુનિએ પીડિતા પાસે ધાર્મિક વિધિના નામે નગ્ન ફોટા પણ પડાવ્યા હતા. પીડિતાના માતા-પિતા અને પીડિતા જૈન મુનિ શાંતિસાગરને ગુરુ માનતી હતી. જૈન મુનિએ હું કહું એમ નહીં કરે તો તારા માતા-પિતા મરી જશે તેવી ધમકી આપી હતી અને ત્યારબાદ તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું.

જૈન મુનિ પર પીડિતા અને તેનો પરિવાર એટલો વિશ્વાસ કરતા હતા કે, જૈન મુનિ ભરૂચ જતા તો આ પરિવાર ચાલીને જૈન મુનિની પાછળ પાછળ જતા હતા. પીડિતાની ફરિયાદના આધારે પોલીસ દ્વારા જૈન મુનિ શાંતિસાગરની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ પૂછપરછમાં પણ શાંતિસાગરે પીડિતા સાથે દુષ્કર્મ કર્યું હોવાનું કબૂલ્યું હતું. તો બીજી તરફ કોર્ટમાં કેસની ટ્રાયલ શરૂ હતી તે દરમિયાન બે વખત જજ બદલાયા હતા અને શાંતિસાગર દ્વારા જામીન માટે અગાઉ સુપ્રીમ કોર્ટ સુધી પ્રયાસો કરવામાં આવ્યા હતા પરંતુ 8 વર્ષમાં જૈન મુનિને એક પણ વખત જામીન મળ્યા નથી.

આ કેસમાં મેડિકલ પુરાવા અને 32 જેટલા સાક્ષી સાહેદોના નિવેદન મહત્વના સાબિત થયા હતા. 4 એપ્રિલ 2025ના રોજ જૈન મુનિ શાંતિસાગરને સેશન્સ કોર્ટ દ્વારા દોષિત ઠેરવવામાં આવ્યા હતા. આ સમગ્ર કેસમાં સરકાર પક્ષે app રાજેશ ડોબરીયા અને મૂળ ફરિયાદી તરફે એડવોકેટ મુખત્યાર શેખ દ્વારા દલીલો કરવામાં આવી હતી. તો બીજી તરફ આ કેસની ટ્રાયલ દરમિયાન પીડિતાના પિતાનું મોત થયું હતું.

બીજી તરફ આ કેસના સરકારી વકીલ નયન સુખડવાલાએ સરકાર તરફથી કડક દલીલો કરી હતી અને આરોપી જૈન મુનિને મહત્તમ સજા કે પછી આજીવન કેદની સજાની માગણી તેમના દ્વારા કરવામાં આવી હતી. સરકારી વકીલ નયન સુખડવાલા દ્વારા ગુરુના પદની ગરિમા કોર્ટના ધ્યાન પર મૂકવામાં આવી હતી અને ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ શ્લોકનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. સરકારી વકીલ દ્વારા કોર્ટનું ધ્યાન દોરવામાં આવ્યું હતું કે, ગુરુનું કામ શિષ્યમાં રહેલા ખોટા વિચારોનો નાશ કરવાનું હોય છે પરંતુ જ્યારે ગુરુ જ દુષ્કર્મ કરે તો આ ઘણી ગંભીર ઘટના કહેવાય અને સમગ્ર સમાજમાં ખોટો સંદેશ જાય છે. આવા કૃત્યથી પીડિતાને માનસિક અને શારીરિક ક્ષતિ પહોંચી છે અને તેના આઘાતમાં પીડિતાના પિતા પણ ગુજરી ગયા છે. તેથી આ કેસમાં પીડિતાને વળતર આપવામાં આવે અને આ માટે સરકાર પક્ષે પીડિતા સહાય યોજના અંતર્ગત વળતરની પણ માગણી કરવામાં આવી છે.

બીજી તરફ બચાવ પક્ષ દ્વારા પણ જૈન મુનિને ઓછી સજાની માગ સાથે અલગ અલગ મુદ્દાઓ રજૂ કરવામાં આવ્યા હતા. આ કેસમાં IPCની કલમ 376 (1), 376 (2) (f) અને 379ની કલમ હેઠળ ગુનો દાખલ થયો છે. ટ્રાયલ દરમિયાન સરકારી વકીલોની દલીલ તેમજ તમામ પુરાવાના આધારે જૈન મુનિ શાંતિસાગરને કોર્ટે દોષિત જાહેર કર્યો છે અને 10 વર્ષની સજા ફટકારી છે અને 25000 વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે.

આ કેસમાં પીડિતાએ નિવેદનમાં જણાવ્યું હતું કે, શાંતિસાગર મહારાજના પ્રવચનથી તે અને તેનો પરિવાર ખૂબ જ પ્રભાવિત હતો. એટલા માટે ધાર્મિક વિધિ માટે પરિવારના સભ્યોએ સુરત આવવાનું નક્કી કર્યું હતું. ઉપાશ્રયમાં જ રાત્રિ રોકાણની વાત કરવામાં આવી હતી. ઉપાશ્રયમાં જૈન મુનિ દ્વારા બધાને રોકાવાનું જણાવ્યું હતું અને રાત્રે વિધિ દરમિયાન શાંતિસાગરે યુવતીના માતા પિતાને એક કુંડાળામાં બેસાડી દીધા હતા તો ભાઈને અન્ય રૂમમાં મોકલી દીધો હતો. આ ઉપરાંત તેને પવનના જોકા અને મોરપીંછથી શારીરિક રીતે સ્પર્શ કર્યો હતો અને યુવતીને અન્ય જગ્યા પર લઈ જઈ કહ્યું હતું કે, તું તારા માતા-પિતાને સુખી જોવા માંગે છે તો હું કહું એ પ્રમાણે ચાલ નહીં તો તારા માતા પિતાનું મૃત્યુ થઈ જશે. ત્યારબાદ જૈન મુનિ શાંતિસાગર દ્વારા રૂમની લાઈટ બંધ કરી પીડિતાની ઈચ્છા વિરુદ્ધ તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.

તો બીજી તરફ પીડિતા સાથે જ્યારે આ ઘટના બની હતી, ત્યારે તે કોલેજમાં ભણતી હતી. દુષ્કર્મની ઘટના બાદ પીડિતાને પેટ અને ગુપ્તાંગના ભાગે દુખાવાના કારણે તે કોલેજમાં ભણતી હતી ત્યારે બેભાન થઈ ગઈ હતી. ત્યારબાદ આ સમગ્ર મામલે પીડિતાએ પરિવારના સભ્યોને માહિતી આપી હતી. ત્યારબાદ પરિવારના સભ્યો દ્વારા યુવતીને હિંમત આપવામાં આવી અને ત્યારબાદ પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. અઠવા પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તાત્કાલિક અસરથી નિવેદનો લેવામાં આવ્યા હતા અને ઓક્ટોબર 2017માં જૈન મુનિ શાંતિસાગરની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસની વાત કરવામાં આવે તો પોલીસ દ્વારા મેડિકલ રિપોર્ટ, પીડિતા નિવેદન અને ડિજિટલ પુરાવાના આધારે ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. કોર્ટમાં ચાલેલી લાંબી સુનાવણી બાદ જૈન મુનિ શાંતિસાગરને દોષી જાહેર કર્યા બાદ આજે કોર્ટ દ્વારા 10 વર્ષની સજા અને 25000નો દંડ ફટકારવામાં આવ્યો છે.