સુરતમાંથી ગુજરાતી અભિનેતા સહિત તેની પત્ની દારૂ વેચતા ઝડપાયાં, એક આરોપી વોન્ટેડ

અમિત રુપાપરા, સુરતઃ ગુજરાતમાં દારૂબંધીના કાયદાનો ચુસ્તપણે અમલ થતો હોવાની વાતો પોલીસ દ્વારા કરવામાં આવી રહી છે. પરંતુ અવારનવાર પોલીસના હાથે ઝડપાતો લાખો રૂપિયાનો દારૂ અને આરોપી બુટલેગરો જ આ વાતનો છેદ ઉડાડી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે સુરતના કાપોદ્રા વિસ્તારમાંથી ગુજરાતી ફિલ્મનો અભિનેતા અને ડિરેક્ટર પત્ની સાથે દારૂ વેચતા ઝડપાયો છે. પોલીસે આ અભિનેતા અને તેની પત્નીની ધરપકડ કરી દારૂ આપનારા ઈસમને વોન્ટેડ જાહેર કર્યો છે.
સુરતની કાપોદ્રા પોલીસને બાતમી મળી હતી કે, કાપોદ્રાના મરઘા કેન્દ્ર પાસે આવેલા રવિ પાર્ક સોસાયટીના ખુલ્લા મેદાનમાં એક કારમાં દારૂની હેરાફેરી થઈ રહી છે. ત્યારે પોલીસે ઘટનાસ્થળ પર જઈને તપાસ કરતા એક કારમાં દારૂની હેરાફેરી થતી હોવાનું સામે આવ્યું હતું. પોલીસ દ્વારા વધુ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, વરાછાની આદર્શ નગર સોસાયટીમાં રહેતો વિજય બારૈયા તેમજ જય બારૈયા અને જયની પત્ની મીનાક્ષી આ દારૂનું વેચાણ અને હેરાફેરી કરતા હતા.
પોલીસને ઘટનાસ્થળ પરથી જે કાર મળી આવી હતી તે કારમાં નંબર પ્લેટ પણ ડુપ્લિકેટ લગાવવામાં આવી હતી. આ કારના દરવાજાની અંદર ચોરખાનું બનાવીને દારૂનું વેચાણ કરવામાં આવતું હોવાનું પોલીસના ધ્યાને આવ્યું હતું. પોલીસે રેડ દરમિયાન દારૂનું વેચાણ કરતા હતા. જય બારૈયા અને તેની પત્ની મીનાક્ષીને 1579 દારૂની બોટલ અને બે કાર સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસે 2,86,000 રૂપિયાનો દારૂ અને કાર સહિત કુલ 10,91,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
કાપોદ્રા પોલીસ દ્વારા આરોપી જયની પૂછપરછ કરતાં સામે આવ્યું હતું કે, તે ગુજરાતી ફિલ્મ એક્ટિંગ પણ કરે છે અને અલગ અલગ ફિલ્મ ડાયરેક્ટ પણ કરી ચૂક્યો છે. તો ગુજરાતી ફિલ્મમાં તેને કામ સરખું ચાલતું ન હોવાના કારણે તે કારના લે વેચના ધંધા સાથે જોડાયો હતો. જો કે, કાર લે વેચનો ધંધો સરખો ચાલતો ન હોવાના કારણે તેને એક વર્ષ પહેલા દારૂ વેચવાનું નક્કી કર્યું હતું. દમણની અલગ અલગ વાઇન શોપમાંથી તે ઇંગ્લિશ દારૂ સુરત લાવતો હતો અને સુરતમાં આરોપી જઈનો ભાઈ વિજય અને જયની પત્ની દારૂનું વેચાણ કરતા હતા અને દમણથી દારૂ લાવવા માટે કારમાં ચોરખાના પણ બનાવવામાં આવ્યા હતા.