ડિંડોલીમાં બે મિત્રો વચ્ચે મારામારી, 22000ની લૂંટ; મિત્રએ કરી અન્ય મિત્રની હત્યા

સુરતઃ જિલ્લાના ડિંડોલીમાં સામાન્ય બોલાચાલીની ઘટના હત્યા સુધી પહોંચી ગઈ છે. મિત્રએ જ 22 હજારની લૂંટ કરી મિત્રની હત્યા કરી છે. ત્યારે આ મામલે પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

સુરતના ડિંડોલીના ભેસ્તાન આવાસ પાસે આવેલા પાંજરાપોળ બ્રિજની નીચે આ ઘટના બની હતી. અપશબ્દ બોલતા બે મિત્રો વચ્ચે મારામારની ઘટના બની હતી. મોહમ્મદ હુસેનની દીકરીએ 22000 રૂપિયા પિતાને આપ્યા હતા. રૂપિયા સાથે મોહમ્મદ હુસૈન જતા હતા તે સમયે સોસાયટીમાં રહેતો મિત્ર તેમને દારૂ પીવા લઈ ગયો હતો.

દારૂ પીવડાવી પૈસા લૂંટી મોહમ્મદ હુસૈન સાથે મિત્રએ મારામારી કરી હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા મોહમ્મદ હુસૈનને નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. નવી સિવિલ હોસ્પિટલમાં હાજર તબીબોએ મોહમ્મદ હુસૈનને નોર્મલ કહી રજા આપી હતી.

ઘરે જતા મોહમ્મદ હુસૈનની તબિયત લથડતા નવી સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. નવી સિવિલ હોસ્પિટલ ખાતે ટૂંકી સારવાર બાદ મોહમ્મદ હુસૈનનું મોત નિપજ્યું છે. ત્યારે ડિંડોલી પોલીસે આ મામલે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.