સુરતમાં ડાયમંડ એક્સપો એક્ઝિબિશન, 8 હજાર લોકોનું રજિસ્ટ્રેશન
અમિત રુપાપરા, સુરતઃ શહેરને ડાયમંડ સિટીની ઓળખ આપનારો ડાયમંડ ઉદ્યોગ છેલ્લા બે વર્ષથી ભારે મંદીનો સામનો કરી રહ્યો છે. ત્યારે આ મંદી સામે સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા b2b ડાયમંડ એક્સપો એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. 12થી 14 જુલાઈ સુધી એક્ઝિબિશન યોજાયું છે. ત્યારે મંદીમાં સપડાયેલા ઉદ્યોગકારો અને વેપારીઓને આ એક્ઝિબિશનથી વ્યાપારની અનેક આશા અપેક્ષાઓ જોવા મળી છે. આ એક્ઝિબિશનમાં દેશ-વિદેશથી 8,000થી વધુ વિઝિટર્સે ભાગ લેવા માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે. અત્યારે નાના ઉદ્યોગકારોને એક્ઝિબિશન થકી વેપાર માટે નવું આશાનું કિરણ દેખાઈ રહ્યું છે. રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયાના હસ્તે આ એક્ઝિબિશનનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રાજ્યસભાના સાંસદ ગોવિંદ ધોળકિયા તેમજ સુરતના સાંસદ મુકેશ દલાલ અને ધારાસભ્ય ઉપસ્થિત રહ્યા હતા.
સમગ્ર વિશ્વમાં સુરતને ડાયમંડ સિટી તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વના 10 હીરા પોલીસમાંથી નવ હીરા પોલીસ સુરતમાં થતા હોય છે. જો કે, સુરતનો આ હીરા ઉદ્યોગ છેલ્લા બે વર્ષથી ભયંકર મંદીનો સામનો કરી ઝઝૂમી રહ્યો છે. જેમાં ખાસ કરીને નાના નાના ઉદ્યોગકારોની હાલત ખૂબ જ કફોડી બની રહી છે. ત્યારે આ મંદીની વચ્ચે આ વર્ષે સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા પાંચમું બીટુ બી કેરેટ્સ સુરત ડાયમંડ એક્સપો એક્ઝિબિશનનું આયોજન કરાયું છે. 12, 13 અને 14 જુલાઈ સુધી સુરતના ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે એક્ઝિબિશનનું આયોજન કરાયું છે.
સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા યોજવામાં આવેલા આ એક્ઝિબિશનને કારણે સુરતના હીરા ઉદ્યોગને મંદી સામે વેપારની નવી આશાનું કિરણ જોવા મળ્યું છે. આ એક્ઝિબિશનથી નાના ઉદ્યોગકારોને વેગ મળશે અને નવા વેપાર ધંધાની આશા અપેક્ષાઓ બંધાવી છે. કારણ કે, આ એક્ઝિબિશનમાં ડાયમંડમાં નેચરલ, લેબગ્રોન જ્વેલરી તેમજ મશીનરી સોફ્ટવેર ટેકનોલોજી મળીને 118 જેટલા બુથ પ્રદર્શિત કરવામાં આવ્યા છે. આ એક્ઝિબિશનમાં જેમ એન્ડ જ્વેલરી સાથે સંકળાયેલા 8,000થી વધારે દેશના વિઝિટર્સ ઉપરાંત નેશનલ અને ઇન્ટરનેશનલ 500થી વધારે વિઝિટર્સ દ્વારા ઓનલાઇન રજિસ્ટ્રેશન કરાવ્યું છે. આ તમામ વેપારીઓને મંદી સમયે એકબીજા સાથે યોગ્ય ભાવ અને માલ સાથે વેપાર કરવામાં સરળતા મળશે. જેને લઇ આ એક્ઝિબિશનથી સુરતના ઉદ્યોગકારોની ખૂબ જ મોટી આશા અપેક્ષાઓ છે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા પણ આ એક્ઝિબિશનની મુલાકાત લેવામાં આવી હતી.
શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયાના હસ્તે આ એક્ઝિબિશનનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. તો આ કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ અને ડાયમંડ ઉદ્યોગમાં ખૂબ જ આગવું સ્થાન ધરાવતા એવા ગોવિંદ ધોળકિયા, સુરતના સાંસદ મુકેશ દલાલ સુરતના મેયર દક્ષેશ માવાણી, ધારાસભ્ય સંગીતા પાટીલ ઉપરાંત ડાયમંડ એસોસિએશનના હોદ્દેદારો અને શહેરના ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા. તો એક્ઝિબિશનના કારણે ડાયમંડ ઉદ્યોગને વેગ મળશે તેવો આશાવાદ રાજ્ય સભાના સાંસદ ગોવિંદ ધોળકિયા દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.